ગાંધીનગર: આજે 26 જુલાઈને કારગિલ વિજય દિવસને 25 વર્ષે પૂર્ણ થયા છે. ગુજરાત સરકારે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની વીરતાને બીરદાવી હતી. શહીદ જવાનોની શહાદતને કારણે દુશ્મન દેશ પાકિસ્તાનના આતંકવાદીઓ ભાગ્યા હતા. આ શહીદોને ગુજરાત સરકારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમની શહાદતને બિરદાવી હતી.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે શહીદોએ આપણા દેશની સીમાઓની રક્ષા માટે શહીદ થયા તેને આજે દરેક દેશવાસી યાદ કરે છે. કારગિલ યુદ્ધમાં લગભગ 527 જેટલા જવાનો શહીદ થયા હતા. તેમને ગુજરાત સરકારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૈનિકોની શહીદીને કારણે આપણને કારગીલમાં વિજય મળ્યો હતો. શહીદો ક્યારેય મૃત્યુ પામતા નથી પરંતુ, જો સમાજ એને ભૂલી જાય તો તેઓ મૃત્યુ પામે છે. કારગિલ યુદ્ધના શહીદોને ગુજરાત સરકાર ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે.
અમદાવાદમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ: 26 જુલાઈના 2008 ના રોજ અમદાવાદમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટના કારણે અંદાજિત 32 આરોગ્ય કર્મીઓ શહીદ થયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવેલા દર્દીઓ પણ શહીદ થયા હતા. આરોગ્ય કર્મીઓએ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ક્યાંય પોતાની ફરજમાં રૂકાવટ આવવા દીધી ન હતી. તમામ દર્દીઓને સારવાર ખૂબ જ ગંભીરતાથી કરી હતી.
ફ્રાન્સના પેરિસમાં આજથી ઓલમ્પિક ગેમ્સની શરૂઆત થઈ રહી છે. ગુજરાતના ત્રણ ખેલાડીઓ ભારતની ઓલમ્પિક ટીમમાં સિલેક્ટ થયા છે. ભારતના ખેલાડીઓ મેડલ મેળવી દેશનું ગૌરવ વધારી રહ્યા છે. તમામ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ ખેલાડીઓને ગુજરાત સરકાર શુભેચ્છા પાઠવે છે.