જૂનાગઢ: ચોમાસા દરમિયાન દુધાળા પશુઓને બીમારી અને રોગચાળાથી બચાવવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા ખાસ પશુપાલકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ગાય-ભેંસ જેવા દુધાળા પશુઓને ચોમાસા દરમિયાન આવતા પ્રાણ ઘાતક રોગોથી કઈ રીતે બચાવી શકાય તેમજ આ ઋતુ દરમિયાન દુધાળા પશુઓનુ બીમારી બાદ મોતની સૌથી વધારે શક્યતા રહેલી છે તેની વચ્ચે પશુપાલકોએ કેવા પ્રકારે દુધાળા પશુઓની દેખભાળ અને કાળજી રાખવી જોઈએ.
દુધાળા પશુઓનું ચોમાસામાં રાખજો ધ્યાન: ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુ દરમિયાન પશુપાલકોના દુધાળા પશુઓમાં બીમારીનું પ્રમાણ અને તેને કારણે થતા મોતમાં ચિંતાજનક વધારો થતો હોય છે, ત્યારે જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટી દ્વારા દુધાળા પશુઓની ચોમાસાની આ ઋતુ દરમિયાન વિશેષ કાળજી રાખવાની એડવાઈઝરી જાહેર કરી છે. ચોમાસાની આ ઋતુ દરમિયાન દૂધ આપતા પશુઓમાં મુખ્યત્વે દુધીઓ તાવ, ગળસૂંઢો, મેલી ન પડવી, માટી ખસી જવી કીટોસીસ અને ખરવા જેવા રોગો ખૂબ જ જોવા મળતા હોય છે જેમાં ગળસૂંઢો અને મેલી ન પડવી રોગ ચોમાસાની આ ઋતુ દરમિયાન દુધાળા પશુઓ માટે પ્રાણઘાતક બનતો હોય છે.
ચોમાસામાં રોગ અને વિયાણના પ્રમાણમાં વધારો: ચોમાસા દરમિયાન દુધાળા પશુઓ જેવા કે, ગાય ભેંસમાં વિયાણનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. જેની સાથે સાથે આ સમય દરમિયાન રોગનો ઉપદ્રવ પણ દુધાળા પશુઓમાં થતો હોય છે ત્યારે પશુપાલકોએ ચોમાસા દરમિયાન પશુની સારી સારવાર અને દેખરેખ રાખવામાં આવે તો વિયાણ પહેલા અને ત્યારબાદ થતી બીમારીઓને અટકાવી શકાય છે. ચોમાસા દરમિયાન પશુઓમાં થતો દુધીઓ તાવ જોવા મળતો હોય છે. વિયાણ બાદ શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ ઝડપથી ઘટી જતું હોય છે, ત્યારબાદ પશુપાલકો દ્વારા પશુને દૂધને દોહી લેવામાં આવતો હોય છે. જેને કારણે શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ ઘટતા દૂધીઓ તાવ પશુની વિયાણ પછીના 24 થી 72 કલાક દરમિયાન આવતો હોય છે. આ પરિસ્થિતિમાં પશુને ગરમ વાતાવરણ મળી રહે તે માટે ખાસ સુકુ ઘાસ અને શણના કોથળાની વ્યવસ્થા પશુપાલકોએ કરવી જોઈએ સાથે સાથે તબીબોની દેખરેખ અને સૂચના નીચે પશુને બહારથી કેલ્શિયમ આપીને દુધિઆ તાવ પર નિયંત્રણ કરી શકાય છે.
પશુઓમાં ગળસૂંઢાનો રોગ: ચોમાસાની આ ઋતુમાં ગળસૂંઢો અને બાવલાનો રોગ મોટાભાગના દુધાળા પશુઓમાં જોવા મળે છે. ગળસૂંઢોનો રોગ પશુઓ માટે જીવલેણ સાબિત થયો છે અને તે ચોમાસા દરમિયાન સૌથી વધારે જોવા મળે છે. ચોમાસાના દિવસો દરમિયાન જીવાણુને અનુકૂળતા મુજબનું વાતાવરણ મળી રહેશે જેને કારણે પશુઓના ગળામાં સોજો આવે છે. જેના કારણે તેને ગળસૂંઢો કહેવાય છે. આ રોગોમાં મૃત્યુદર પણ સૌથી વધારે હોય છે જ્યાં પાણીનો પુષ્કળ પ્રમાણમા ભરાવો થતો હોય તેવી જગ્યામાં ગળસૂંઢાને આમંત્રણ આપતા જીવાણુઓ સૌથી વધુ સમય જીવિત રહે છે. જેથી ચોમાસા દરમિયાન ગળસૂંઢાનો રોગ વઘારે પ્રમાણમાં થતો હોય છે. આ રોગમાં 60 થી 90 ટકા પશુના મોતની શક્યતાઓ પણ પશુ તબીબી વિજ્ઞાન જણાવે છે આ રોગના અટકાવ માટે ચોમાસા પૂર્વે દરેક પશુને રોગ પ્રતિકારક રસી મુકાવી જોઈએ જેથી પશુઓને ગળસૂંઢાના ઘાતક રોગથી બચાવી શકાય.
દુધાળા પશુઓમા બાવલાનો રોગ: દુધાળા પશુઓમાં ચોમાસા દરમિયાન બાવલાનો રોગ ખૂબ જ જોવા મળતો હોય છે. આ રોગને કારણે પશુઓને શારીરિક પીડા થાય છે તો સાથે સાથે બાવલાના રોગને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન પણ થતું ખૂબ જોવા મળે છે. આ રોગમાં બાવલા ઉપર એકાએક સોજો આવે છે. આચળમાંથી દૂધ ને બદલે અન્ય પ્રવાહી કે પરુ કે કેટલાક કિસ્સામાં લોહી પણ નીકળતું હોય છે. જેને કારણે દૂધ ઉત્પાદન અને તેની ગુણવત્તામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળે છે બાવલાના રોગમાં પશુપાલકોની કાળજી અને તબીબી સલાહથી ચોમાસા દરમિયાન તેના પર નિયંત્રણ રાખી શકાય છે.