જૂનાગઢ: વેકેશનનો સમય ચાલી રહ્યો છે, આવા સમયે કલા વારસાને પ્રજ્વલિત કરી શકાય તે માટેના અલગ અલગ કાર્યક્રમ અને વર્કશોપનું આયોજન સતત થતું રહેતું હોય છે. એવામાં જૂનાગઢનાં કલા ભારતી સંસ્થાન દ્વારા યુવાનો અને ઉગતા કલાકારોમાં ચિત્રકલાના ગુણ વિકસે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ખ્યાતનામ ચિત્રકારોએ સ્વયંમ ઉપસ્થિત રહીને ચિત્રકલાની નાનામાં નાની બાબતો અંગેની માહિતી યુવાનોને ઘરબેઠા પુરી પાડી હતી.
જૂનાગઢમાં ચિત્રકલા વર્કશોપનું આયોજન: વેકેશનનો સમય ચાલી રહ્યો છે તેની વચ્ચે યુવાનોમાં કલા વારસાને લઈને જાગૃતિ આવે અને જે યુવાનો કલા વારસા પ્રત્યે આગળ વધવા માંગે છે, તેવા યુવાનોને વેકેશનના આ સમય દરમિયાન કલા વારસાની ચોક્કસ પૂરતી અને યોગ્ય પ્રમાણમાં માહિતી મળી રહે તે માટે કલા ભારતી સંસ્થાન, જુનાગઢ દ્વારા ચિત્રકલા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ જેટલા કલાકારો દ્વારા બનાવવામાં આવેલા પેઇન્ટિંગ્સને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાના સિનિયર ચિત્રકારોએ હાજર રહીને યુવાન ચિત્રકારોને ચિત્રકલાના એક એક ગુણની તલસ્પર્શી વિગતો આપી હતી.
ચિત્રકલના અનેક રંગ: ચિત્રકલા આજે પણ અનેક વિભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રત્યેક વિભાગની ચિત્રકલા અલગ અલગ તરી આવે છે. રેઝિન આર્ટ, કાર્ફ પેઇન્ટિંગ, લેન્સકેપ સહિત ચિત્રકલાના અનેક વિષયો છે, જેમાં આજે પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. જે પૈકીના કેટલાક પેઇન્ટિંગ્સ અને ચિત્રો આજના આ વર્કશોપમાં યુવાન ચિત્રકારો માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ચિત્રનો આગવો વારસો વ્યવસાય અને કારકિર્દી માટે આજે પણ ખૂબ જ મહત્વનો ગણાય છે. ત્યારે જે યુવાન અને ઉગતા ચિત્રકારો કે જે પોતાની કારકિર્દી ચિત્રકલા ના માધ્યમથી આગળ ધપાવવા માંગે છે અને ભવિષ્યમાં તેનો વ્યવસાય કરવા માંગે છે, તેવા ચિત્રકારો માટે આ વર્કશોપ ખૂબ જ મહત્વનો બની રહ્યો હતો.
ચિત્રકલાને પ્રોત્સાહન જરૂરી: આજના સમયમાં ચિત્રકલાને જેટલું પ્રોત્સાહન મળવું જોઈએ તેટલું મળતું નથી, જેને કારણે ચિત્રકલા પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચવામાં સફળ રહી નથી. વર્ષો પૂર્વે કલાકારો પોતાના કલાના માધ્યમથી પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચતા હતા પરંતુ, ધીમે ધીમે ચિત્રકલાનું માધ્યમ લોકોની વચ્ચેથી ઓછું થતું જાય છે. જેને કારણે ઉગતા અને નવા ચિત્રકારોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચિત્ર કોઈ પણ વ્યક્તિના સારા કે રચનાત્મક વિચારોને રજૂ કરે છે, જેથી ચિત્ર એ માત્ર કલા જ નથી પરંતુ વ્યક્તિના વિચારોનું રચનાત્મક પ્રતિબિંબ છે જેથી ચિત્રકલાનું આ માધ્યમ રચનાત્મક રીતે વ્યક્તિના ઉત્થાન માટે મહત્વનું સાબિત થાય છે.