જુનાગઢ: શનિવારે રાજકોટના ટી.આર.પી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. જેમાં 27 લોકોના મોત થયા હતા. તેમજ રાજકોટની આ દુર્ઘટના બાદ હવે સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર પણ ફાયરના સાધનોને લઈને ખૂબ જ કડકાઇથી તપાસ અને ચેકિંગ કરી રહી છે. ત્યારે હવે જુનાગઢ શહેરમાં આગના કિસ્સામાં ઉપયોગી થઈ શકે તેવા સિલિન્ડરો ભરવા માટે તેમજ નવી ખરીદી માટે રીતસરની પડાપડી થઈ રહી છે. આજે એક એક એજન્સીઓ પાસે એક અઠવાડિયાનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને શાળા અને સરકારી કચેરીઓ વિશેષ પ્રમાણમાં આ પ્રકારના સિલિન્ડરો ભરવા અને નવા ખરીદવાને લઈને ખૂબ જ ઉતાવળે આવી રહ્યા છે. જેના કારણે મોટાભાગની એજન્સીઓમાં ચાર દિવસથી લઈને એક અઠવાડિયા સુધીનુ વેઇટિંગ ચાલી રહ્યું છે.

સિલિન્ડર ભરાવવા માટે પણ પડાપડી: ગેસ સિલિન્ડર ભરાવવા માટે પણ અત્યારે પડાપડી જોવા મળી રહી છે. સવારના નવ વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી સતત ગેસ સિલિન્ડર ભરાવાને લઈને ફોન કોલ ચાલી રહ્યા છે. એક વખત સિલિન્ડર રીફિલિંગ થઈ ગયા બાદ એક વર્ષ સુધીની તેની મર્યાદા હોય છે તેમ છતાં રાજકોટની દુર્ઘટના બાદ હવે મોટા ભાગના ફાયર સેફ્ટીનો ઉપયોગ કરતા વ્યક્તિઓ યુદ્ધના ધોરણે તેમને ત્યાં રહેલા સિલિન્ડરોને ભરાવવા માટે તેમજ જે એકમો પાસે આવા સિલિન્ડરો નથી તેને વસાવવા માટે રીતસર ઘસારો કરી રહ્યા છે.

દુર્ઘટના બાદ જાગે છે લોકો: જૂનાગઢમાં જે લોકો ફાયર સિલિન્ડરની એજન્સીઓ ધરાવે છે તેઓ પણ માની રહ્યા છે કે અકસ્માતની ઘટના બાદ સિલિન્ડર ભરાવવાને લઈને લોકો ખૂબ જ પડાપડી કરતા હોય છે સુરતના તક્ષશિલા કાંડ બાદ પણ આ જ પ્રકારે સિલિન્ડર ભરાવાને લઈને ખુબ ભીડ જોવા મળતી હતી. બિલકુલ તે જ પ્રકારના દ્રશ્યો આજે રાજકોટ આગ કાંડ પર ફરી જોવા મળે છે સામાન્ય રીતે એક વર્ષની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પ્રત્યેક વ્યક્તિએ તેમની જવાબદારી સાથે સિલિન્ડરને રિફિલિંગ કરાવવું જોઈએ પરંતુ કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ એક સાથે તમામ લોકો સિલિન્ડરને રિફિલિંગ અથવા તો નવા લેવા માટે આવી રહ્યા છે જેને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ છે