જૂનાગઢ: એશિયામાં એકમાત્ર ગીરમાં સિંહને જોવા માટે પ્રવાસીઓ આખું વર્ષ રાહત જોતા હોય છે ત્યારે 16મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા સાસણ સફારી પાર્કને લઈને વન વિભાગે પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ સરકારની રજીસ્ટર ઓનલાઇન સર્વિસ દ્વારા જ સિંહદર્શનની સાથે અન્ય સુવિધાઓ રજીસ્ટર કરીને પ્રવાસીઓ લેભાગુ તત્વ અને ભળતા નામવાળી અન્ય વેબસાઈટથી બચીને સિંહ દર્શન કરી શકે તે માટેની એડવાઈઝરી જાહેર કરી છે.
લેભાગુ તત્વો સિંહ દર્શનના સમયે થાય છે સક્રિય: 16મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા સિંહ દર્શનને લઈને સાસણ નાયબ વન સંરક્ષક મોહન રામે વિગતો આપતા જણાવ્યું છે કે, સાસણ સિંહ દર્શનમાં સિંહ દર્શનની સાથે અન્ય સુવિધાઓ જ્યારથી ઓનલાઇન કરવામાં આવી છે ત્યારથી દર વર્ષે એકલ દોકલ કિસ્સાઓ પ્રવાસીઓને છેતરવાના સામે આવી રહ્યા છે. કેટલાક લોકો દ્વારા સિંહ દર્શનના નામે ભળતી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસેથી સિંહ દર્શન હોટલ અને આ વિસ્તારમાં મળતી અન્ય સુવિધાઓ ઓનલાઈન બુકિંગ કરાવીને તેનું પેમેન્ટ પણ ઓનલાઇન કરાવતા હોય છે આવી પરિસ્થિતિમાં કેટલાક પ્રવાસીઓ કોઈ ખોટા લોકો દ્વારા તેમની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ પણ થયો છે.
સરકારી વેબસાઈટ https://girlion.gujarat.gov.in પર જ બુકિંગ કરવું: આ બાબતને ધ્યામાં રાખીને વન વિભાગે એકમાત્ર સરકારી વેબસાઈટ https://girlion.gujarat.gov.in પર જ સિંહદર્શનની સાથે અન્ય સુવિધાઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે તે માટેની આગ્રહ ભરી વિનંતી સિંહ દર્શન માટે ઈચ્છુક પ્રત્યેક પ્રવાસીને કરી છે. હાલ 16 ઓક્ટોબરથી સિંહદર્શન શરૂ થવાનું છે જેને લઈને ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે.
વેબસાઇટ પર સમગ્ર સુરક્ષા ઉપલબ્ધ છે: ખાનગી વેબસાઇટો દ્વારા ગેરકાયદેસર બુકિંગ તથા ઓનલાઇન બુકિંગમાં થતી ગેરરિતીઓ અટકાવવા માટે ફક્ત અને ફક્ત ઉપરોક્ત દર્શાવેલ ઓફીસીયલ વેબસાઇટ પર જ ઓનલાઇન બુકિંગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. જેમાં એક જ આઇ.પી. એડ્રેસ, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર પરથી માસ દરમ્યાન વધુમા વધુ 6 જ પરમીટનું બુકિંગ થઇ શકે છે. બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતાં સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઇલ નંબર દર્શાવવાનો રહે છે આ નંબર પર ઓટીપીની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટીક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે. તમને જણાવી દઈએ કે, ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી કાર્યરત વેબસાઇટોને રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા અધિકૃત કરવામાં આવેલ નથી.
આ પણ વાંચો: