જૂનાગઢ: વર્ષ 1966 બાદ પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં કારમી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ આજે પણ જૂનાગઢના 50% કરતાં વધુ કારખાના બંધ જોવા મળે છે. ઉપરાંત જે કારખાનામાં કામ ચાલી રહ્યું છે તેમાં પણ બે થી ત્રણ કલાકના કામ દરમિયાન રત્ન કલાકારો પાંચથી સાત હજાર રૂપિયાની રોજગારી મેળવી રહ્યા છે. જેને કારણે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. કારમી મંદીને કારણે કેટલાક રત્નકલાકારો તો રિક્ષા ચલાવવી કે શાકભાજી વેચવાની સાથે અન્ય કામ તરફ પણ પોતાની નજર દોડાવીને હીરા ઉદ્યોગમાં છવાયેલી કારમી મંદીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1966 બાદ પ્રથમ વખત હીરામાં કારમી મંદી: વર્ષ 1966 બાદ પ્રથમ વખત ગુજરાતનો સૌથી મોટો હીરા ઉદ્યોગ કારમી મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. દિવાળીના વેકેશન બાદ આજે પણ 50% કરતાં વધારે હીરાના કારખાનાઓ શરૂ થયા નથી. જેને કારણે આઠથી દસ હજાર રત્ન કલાકારો કે જે સ્થાનિક જૂનાગઢમાં હીરા ઘસવાનું કામ કરે છે તેઓ બેરોજગાર બન્યા છે. દિવાળી બાદ જે હીરાના કારખાના શરૂ થયા છે તેમાં પણ દિવસ દરમિયાન બે થી ત્રણ કલાકનું જ કામ રત્ન કલાકારોને મળી રહ્યું છે. પરિણામે રત્ન કલાકારોની સાથે તેમનો પરિવાર પણ ખૂબ જ આર્થિક સંકટમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની જેમ રત્ન કલાકારોની સ્થિતિ કફોડી: એક સમયે ગુજરાતની શાન ગણાતો હીરા ઉદ્યોગ આજે મુશ્કેલ સમયમાં સપડાઈ ગયો છે. પરિણામે રત્ન કલાકારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. આજથી બે વર્ષ પૂર્વે એક મહિનામાં પ્રત્યેક રત્નકલાકાર 25,000 થી 30,000 રૂપિયાનું કામ મેળવીને આર્થિક રીતે સક્ષમ હતો, પરંતુ આજે પ્રતિ એક મહિનામાં રત્નકલાકારને 10,000 રૂપિયાનું કામ મેળવવા ફાફા પડી રહ્યા છે. જે કારખાના ચાલી રહ્યા છે તે મોટા હીરાના વેપારીઓને કારણે ચાલી રહ્યા છે.
વર્ષોથી કામ કરતા રત્ન કલાકારોને સાચવવા માટે અને તેમનો કર્મચારી ખરાબ સમયમાં કોઈ અન્ય પગલું ન ભરે તે માટે પણ હીરાનું કામ દિવસના બે થી ત્રણ કલાક ચાલી રહ્યું છે. જૂનાગઢના હીરાના કારખાના ધરાવતા વેપારીઓ પણ સરકાર હીરા ઉદ્યોગ પ્રત્યે ઉદાર વલણ દાખવે તે પ્રકારની આજીજી કરી રહ્યા છે.
રત્ન કલાકારો માટે અતિ મુશ્કેલીનો સમય: જૂનાગઢમાં શહેર અને જીલ્લામાં હીરાના નાના-મોટા કારખાનાઓ અસ્તિત્વ ધરાવે છે. જેમાં અંદાજિત 25 થી 30 હજાર જેટલા રત્ન કલાકારો ગુજરાતના પારંપરિક અને એકમાત્ર સૌથી મોટા ઉદ્યોગમાં રોજગારી મેળવી રહ્યા હતા. પરંતુ આજે કારમી મંદીને કારણે રત્ન કલાકારોની આવક ખૂબ જ ઘટી ગઈ છે, જેને કારણે તેના પરિવારનું ભરણપોષણ કરવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે.
પરિવારના સભ્યોની દેખભાળ, મહિના દરમિયાન થતો ખર્ચ અને બાળકોના શિક્ષણ સાતથી આઠ હજાર રૂપિયામાં થઈ શકે તેમ નથી. જેને કારણે રત્ન કલાકારો ઘર ચલાવવા માટે વ્યાજ પર રૂપિયા લેવાની સાથે પોતાની મરણ મૂડી સમાન દાગીના પણ વેચવા માટે મજબૂર બની રહ્યા છે. આ તમામ પાછળનું કારણ એક માત્ર હીરા ઉદ્યોગમાં આવેલી કારમી મંદીને માનવામાં આવી રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં કારમી મંદીનો માહોલ: ગુજરાત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ દિનેશ નાવડીયાએ Etv ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ગુજરાતનો હીરા ઉદ્યોગ પ્રતિ વર્ષ 1 લાખ 43 હજાર કરોડનું વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે. જેમાં 15 થી 18 લાખ જેટલા રત્ન કલાકારો સમગ્ર રાજ્યમાં આવેલા 18 થી 20 હજાર હીરાના કારખાનામાં કામ કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યત્વે રફ હીરા ઈમ્પોર્ટ કરવામાં આવે છે. મુખ્ય દેશો બેલ્જિયમ, ઇઝરાયલ, રશિયા, કેનેડા, દુબઈમાંથી રફ હીરા ઈમ્પોર્ટ કરવામાં આવે છે. અને ભારતમાં આ હીરાને ઘાટ અને તેને ઘડવાનું કામ ગુજરાતના રત્ન કલાકારો કરી રહ્યા હતા. પરંતુ આજે કારમી મંદીને કારણે 20% જેટલા નાના કારખાના સદંતર બંધ થયા છે. પરિણામે રત્ન કલાકારોની આવકમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. આજથી બે વર્ષ પૂર્વે પ્રતિમાસ 25,000 થી 30,000 રૂપિયાનું કામ કરતો રત્નકલાકાર આજે આઠથી દસ હજાર રૂપિયાના કામ પર પહોંચી ગયો છે.'
રાજ્ય સરકાર કરે આર્થિક મદદ: ગુજરાત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ દિનેશ નાવડીયાએ જણાવે છે કે, 'ગુજરાતના વિકાસમાં હીરા ઉદ્યોગનો આજે પણ સૌથી મોટો ફાળો છે જેને કારણે સંકટમાં જોવા મળતા હીરા ઉદ્યોગને બચાવવા માટે સરકાર મદદ કરે. ડાયમંડના કારીગરો પર જે વ્યવસાય વેરો લેવામાં આવે છે આવા મુશ્કેલીના સમયમાં તેને નાબૂદ કરે. તેમજ ગુજરાતનો એકમાત્ર સૌથી મોટો ઉદ્યોગ અને તે પણ સરકારને વિદેશી હુંડિયામાં રળી આપે છે તેવા ઉદ્યોગ પ્રત્યે સરકાર રાહત ભરી નજરથી જુએ તો કારમી મંદીમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો મળી શકે છે.'
આ પણ વાંચો: