જૂનાગઢ: પાછલા એક દસકા દરમિયાન સોરઠ પંથકમાં આ વર્ષે ચોમાસુ પાકોને અનુકૂળ વરસાદ વરસી રહ્યો છે. કુદરતની મહેરને કારણે આજના દિવસ સુધી ખેડૂતોને ચોમાસુ પાકોમાં પાણીનું એક પણ ટીપું વધારાનું પીવડાવવાની જરૂરીયાત ઊભી થઈ નથી. જેને કારણે આ વર્ષે કૃષિ પાક સારો હોવાની સાથે ખૂબ સારું ઉત્પાદન મળશે. તેવી આશા સોરઠ પંથકના ખેડૂતો રાખી રહ્યા છે.
1 દસકામાં કૃષિ પાકોને અનુકૂળ વરસાદ: પાછલા 1 દસકા દરમિયાન આ વર્ષે ચોમાસા દરમિયાન પડી રહેલો વરસાદ ચોમાસુ કૃષિ પાકો માટે એકદમ અનુકૂળ અને સમય ઉચિત હોવાનો સોરઠ પંથકના ખેડૂતો અનુભવ કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ ચોમાસુ પાકો અને ખાસ કરીને જે ખેડૂતો અવકાશી ખેતી પર આધારિત છે. તેવા તમામ ખેડૂતોની સાથે પિયત ધરાવતા ખેડૂતો માટે પણ આ વર્ષનો ચોમાસાનો વરસાદ ચોમાસુ પાકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહ્યો છે.
ભાદરવા મહિનામાં વરસાદની પૂરી શક્યતા: અત્યાર સુધી પડેલા વરસાદને કારણે કૃષિ પાકોને વધારાનું પિયત આપવાની જરૂરિયાત આજ દિન સુધી ઊભી થઈ નથી હજુ ભાદરવા મહિનામાં વરસાદની પૂરી શક્યતા જોવાય રહી છે જેને કારણે આ વર્ષે જગતનો તાત ચોમાસું પાકોને લઈને વધારાના પાણી પર નિર્ભર બનશે તેવી શક્યતાઓ એકદમ નહિવત જોવા મળે છે.
પાક મુજબ સમયાંતરે વરસાદ: સોરઠ પંથકમાં સામાન્ય રીતે પીએફ અને અવકાશી ખેતી ખેડૂતો દ્વારા પારંપરિક રીતે કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય પાક તરીકે મગફળી, કપાસ અને હાલના કેટલાક વર્ષોમાં સોયાબીન અને તુવેરનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ચોમાસા દરમિયાન લેવામાં આવતા કૃષિ પાકોને પાણી આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ નિર્ધારિત કરવામાં આવી છે.
વધારે પાણી આપવું પડે તેવી પરિસ્થિતિ નથી: આવા સમયે ચોમાસા દરમિયાન પડી રહેલો વરસાદ કૃષિ પાકોને પાણી આપવાની સમય મર્યાદા જે નિર્ધારિત થઈ છે. તે મુજબ વરસાદ આવી રહ્યો છે. જેને કારણે સોરઠ પંથકના ખેડૂતોને આજદિન સુધી પાકોને એક ટીપું પણ પાણી વધારાનું આપવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. જેને કારણે આ વર્ષે જે ખેડૂતોએ ચોમાસા દરમિયાન મગફળી, કપાસ, સોયાબીન, તુવેર કે અન્ય કૃષિ પાકોનું વાવેતર કર્યું છે. તેમાં પાક થવાની પૂરી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.