જૂનાગઢ : દિવાળીના તહેવારોમાં રંગોળીનું ખૂબ મહત્વ છે. જૂનાગઢની ક્રીમશન આર્ટ એકેડમી દ્વારા રંગોળી પ્રદર્શન યોજાયું હતું. જેમાં 11 થી 40 વર્ષના 15 કલાકારો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવાની સાથે રમત ગમત ક્ષેત્રમાં યશસ્વી દેખાવો અને મહિલા અત્યાચારોને રંગોળીના માધ્યમથી રજૂ કરીને સૌ કોઈના મન આ કલાકારોએ મોહી લીધા હતા.
જૂનાગઢમાં યોજાયું રંગોળી પ્રદર્શન : દિવાળીના તહેવારોને ખાસ ધ્યાને રાખીને ક્રિમશન આર્ટ એકેડેમી જૂનાગઢ દ્વારા આઝાદ ચોકમાં આવેલ રેડક્રોસ હોલમાં રંગોળી પ્રદર્શન યોજાયું હતું. પાંચ દિવસની ભારે મહેનત બાદ જૂનાગઢ શહેર અને જિલ્લાના 15 જેટલા કલાકારો, જેની વય 11 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની છે, તેવા ઉભરતા અને નીવડી ચૂકેલા કલાકારોએ વિવિધ ચિરોડી કલરના માધ્યમથી રંગોળીને ઉપસાવી હતી.
વિવિધ વિષયો પર રંગોળી : આ રંગોળી પ્રદર્શનમાં સાંસ્કૃતિક, રમતગમત, દેશ પ્રત્યેની શ્રદ્ધા, મહિલા અત્યાચાર, ધર્મને લગતી બાબતો અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે ગીરના સાવજોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ રંગોળી પ્રદર્શનની મુલાકાતે આવેલા જૂનાગઢ વાસીઓ પણ તમામ કલાકારોની કલાને જોઈને અવાચક બની ગયા હતા.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ : રંગોળી પ્રદર્શનમાં પ્રાકૃતિક સૌંદર્યની સાથે તાજેતરમાં જ અવસાન પામેલા ભારત રત્ન સમાન રતન ટાટાને રંગોળીના માધ્યમથી યુવાન કલાકારોએ શ્રદ્ધાંજલિ આપવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ રમતગમતના ક્ષેત્રમાં અને ખાસ કરીને શતરંજમાં ભારતે કરેલા ખૂબ સારા પ્રદર્શનને વધાવી શતરંજની ચાલને પણ મહત્વ આપીને રંગોળી બનાવવામાં આવી હતી.
મહિલા અત્યાચાર નિવારણ રંગોળી : હાલમાં સતત વધી રહેલા મહિલા પરના અત્યાચારોને પ્રાધાન્ય મળે અને લોકો મહિલા અત્યાચાર પ્રત્યે જાગૃત બનીને તેને અટકાવવામાં પહેલ કરે તે માટે ખાસ મહિલા અત્યાચાર નિવારણ રંગોળી પણ કરવામાં આવી હતી. દિવાળીના દિવસો દરમિયાન રંગોળી એક મહત્વની સંસ્કૃતિ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. દિવાળીના આ દિવસો દરમિયાન આયોજિત રંગોળી પ્રદર્શનને જોઈને જૂનાગઢ વાસીઓ પણ અભિભૂત થઈ રહ્યા છે.