જૂનાગઢ : કોઈપણ વ્યક્તિ પોતાના આરોગ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત રહે છે. સ્વસ્થ રહેવા માટે સમયાંતરે તબીબોની સલાહ અને સૂચન મેળવતા છે. લોકોની આ પ્રકારની આરોગ્ય પ્રત્યેની કાળજીને કેટલાક ઉઘાડપગા નકલી તબીબો પોતાનો ધંધો કરવાનો એક માધ્યમ બનાવી રહ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર આવા નકલી અને ઉઘાડપગા તબીબોને પકડી પાડીને તેમના કારસ્તાનો ખુલ્લા કરી રહી છે.
12 ચોપડી ભણેલો બોગસ તબીબ : જૂનાગઢ નજીક આવેલા પલાસવા ગામમાં જૂનાગઢના માશુમસા પીરની દરગાહ નજીક ઘાંચી વાળામાં રહેતા ઇન્દ્રીશ ઘાંચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના આરોપ હેઠળ પકડી પાડવામાં આવ્યો છે. પલાસવા ગામમાં આવેલા મેલડી માતાના મંદિર નજીક ભાડાની દુકાન કરીને આરોપી પોતાની જાતને તબીબ તરીકે ઓળખ આપીને ગામડામાં રહેતા લોકોને તબીબી સેવા આપી તેમના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આ મામલે આરોપીને જૂનાગઢ પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.
દવાઓનો જથ્થો જપ્ત : પોતાની જાતને તબીબ તરીકે ઓળખાવી ઈન્દ્રીશ ઘાંચી ભાડાના દવાખાનામાં એલોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન એન્ટિબાયોટિક અને સ્ટેરોઈડ જેવી ખૂબ જ ગંભીર ગણી શકાય તે પ્રકારની દવાનો જથ્થો જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. સામાન્ય રીતે એન્ટિબાયોટિક, સ્ટીરોઇડ અને એલોપેથિક દવા ખૂબ જ અનુભવી તબીબો દ્વારા ચોક્કસ રોગના પ્રકારના રોગમાં કેટલી જરૂરિયાત છે તે મુજબ દર્દીની તમામ ચકાસણી કર્યા બાદ આપવામાં આવતી હોય છે.
પોલીસ કાર્યવાહી : માત્ર 12 ચોપડી ભણેલો ઇન્દ્રીશ ઘાંચી ખૂબ જ ગંભીર પ્રકારની દવાઓ કે જેમાં એન્ટિબાયોટિક અને સ્ટીરોઈડનો સમાવેશ થાય છે, તે દર્દીઓને આપીને તેના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા પકડાયો છે. જેની વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ભારતીય તબીબી પ્રેક્ટિસ એક્ટની અલગ અલગ કલમો અન્વયે લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા કરવાની સાથે તે પોતે તબીબ ન હોવા છતાં પણ તબીબની ઓળખ આપીને દવાખાનું ખોલવાના કિસ્સામાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.