જૂનાગઢ: જૂનાગઢના વર્તમાન સાંસદ અને ભાજપે સતત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવેલા રાજેશ ચુડાસમાની પાછલા પાંચ વર્ષ દરમિયાન સંપત્તિમાં 01 કરોડ 90 લાખ કરતા વધુનો વધારો થયો છે. સંપત્તિમાં વધારો સહિત અન્ય વિગતો સાંસદ રાજેશ ચુડાસમાએ તેમના દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં રજૂ કરી છે.
સાંસદની સંપત્તિમાં થયો વધારો: જુનાગઢ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ અને સતત ત્રીજી વખત જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના જાહેર થયેલા ઉમેદવાર રાજેશ ચુડાસમાની સંપત્તિમાં પાછલા પાંચ વર્ષ દરમિયાન 01 કરોડ 90 લાખ કરતાં વધુનો વધારો થયો છે. વર્ષ 2019માં તેમના દ્વારા જાહેર કરાયેલી સંપત્તિ કુલ 1 કરોડ 07 લાખ 25 હજાર અને 23 રૂપિયા હતી. જેમાં વધારો થઈને આજે પાંચ વર્ષ બાદ 2 કરોડ 99 લાખ 8 હજાર અને 884 રૂપિયા થાય છે. રાજેશ ચુડાસમાએ તેની આ સંપત્તિની વિગતો ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમના દ્વારા જાહેર કરવામાં આવી છે.
સંપત્તિની વિગતો: પુરા થયેલા નાણાકીય વર્ષમાં રાજેશ ચુડાસમાની આવક 18 લાખ 94 હજાર 950 રજૂ કરાઇ છે. જેમાં હાથ પરની રોકડ 1 લાખ ,80 હજાર 99 રૂપિયા તેમજ વિવિધ બેંકોના ખાતામાં કુલ 36,88,785 રૂપિયાની સાથે જીવન વીમા પોલિસીમાં 15 લાખ રૂપિયાની રોકાણ થયું છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ 40 લાખ જેટલું રોકાણ સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા કરાયું છે. તેમની પાસે innova કંપનીની કાર છે. જેની વર્તમાન બજાર કિંમત 11 લાખ રૂપિયાની આસપાસ થવા જાય છે. વધુમાં ચાર ટ્રક એક સ્કૂટર 20 ગ્રામ સોનુ મળીને કુલ જંગમ મિલકત 1 કરોડ 11લાખ 8 હજાર 884 દર્શાવવામાં આવી છે.
પત્ની પાસે વારસાગત મિલકત: રાજેશ ચુડાસમાએ રજૂ કરેલી મિલકતોમાં વારસાગત મિલકતમાં તેમના ભાગ તરીકે 72 લાખ રૂપિયા બિનખેતી જમીન કે જેની વર્તમાન બજાર કિંમત 92 લાખ રૂપિયા તેમજ રહેવા માટેના મકાનની બજાર કિંમત 24 લાખ રૂપિયા મળીને કુલ સ્થાવર મિલકત 01 કરોડ 88 લાખ રૂપિયાની દર્શાવવામાં આવી છે. આ સિવાય એફિડેવિટમાં રાજેશ ચુડાસમા દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ તેમના પર અત્યાર સુધીમાં 9,89,043 નું દેણું પણ છે. તેવી વિગતો એફિડેવિટમાં જાહેર કરાઇ છે. રાજેશ ચુડાસમાની પત્ની રેખાબેન ચુડાસમાની છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કુલ 6,03,470 ની આવક દર્શાવવામાં આવી છે. રેખાબેન ચુડાસમા પાસે હાથ પર રોકડ 80,000 વિવિધ બેંકના ખાતામાં 23,928 બે લાખ ચાલીસ હજારની કિંમતનું 40 ગ્રામ સોનુ મળીને કુલ જંગમ મિલકત 3,43,928 રૂપિયા થવા જાય છે. રેખાબેન ચુડાસમા પાસે સ્થાવર મિલકતમાં 32 લાખ રૂપિયાની સંપત્તિ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. રાજેશ ચુડાસમાએ રજૂ કરેલી એફિડેવીટમાં તેમના પર વેરાવળ કોર્ટમાં ડોક્ટર અતુલ ચગ દ્વારા આત્મહત્યાના કેસમાં ભારતીય દંડ સંહિતાની ધારા 306 અને 506 (2) તેમજ 114 અંતર્ગત ફોજદારી કેસ પણ ન્યાયાલયમાં વિચારાધીન હોવાનો ઉલ્લેખ કરાયો છે.