જૂનાગઢ: આગામી પાંચમી તારીખે ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. મેળામાં ટ્રાફિકનું સંચાલન થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે મુજબ ભવનાથ તળેટીમાં વાહન પ્રવેશથી લઈને વાહનના પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આ પ્રકારે રહેશે પાર્કિંગ અને વાહન પ્રવેશની વ્યવસ્થા:
- સોનાપુરી અને ભવનાથ જવા માટે તમામ પ્રકારના વાહનોને મંજૂરી આપવામાં આવશે. આ સિવાય ભવનાથથી પરત જૂનાગઢ શહેર તરફ જવા માટે સોનાપુરીથી ગિરનાર દરવાજા થઈને વાહનો ભવનાથની બહાર નીકળી શકશે.
- તમામ વાહનો માટે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે આવેલી જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
- સરકારી વાહનો અને પાસ ધારકો વાહનોને વડલી ચોકથી ભવનાથ મંદિર સુધી જવાની વિશેષ પરમિશન પણ આપવામાં આવી છે.
- મહાશિવરાત્રીના દિવસે ભરડાવાવથી સ્મશાન અને ભવનાથ તરફ જવાના માર્ગો વન વે જાહેર કરવામાં આવ્યા છે.
- શિવરાત્રીના દિવસે કાળવા ચોકથી લઈને દાતાર રોડ કામદાર સોસાયટી ગિરનાર દરવાજા ભરડવાથી લઈને ધારાગઢ રોડ અને મજેવડી દરવાજા સુધીનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઈ પણ વાહન ચાલક પોતાનું વાહન પાર્ક કરી શકશે નહીં.
- જવાહર રોડથી સ્વામી મંદિર સેજની ટાંકી ગિરનાર રોડ ગીરનાર દરવાજાનો વિસ્તારનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
દર વર્ષે 15 લાખ લોકો લે છે મુલાકાત:
જૂનાગઢ જિલ્લા નાયબ કલેકટર એન એફ ચૌધરીએ શિવરાત્રીના આ મેળા દરમિયાન ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે તેમજ કોઈ પણ વ્યક્તિ કે વાહન ટ્રાફિક જામમાં મેળાના ચાર દિવસો દરમિયાન ન ફસાય તે માટે આયોજન કર્યું છે. મહાશિવરાત્રીના મેળામાં ચાર દિવસ દરમિયાન દર વર્ષે અંદાજિત 15 લાખની આસપાસ લોકો આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાં આવતા લોકો વાહનો પણ સાથે લાવતા હોય છે. ત્યારે વાહનો કોઈ પણ પ્રકારની ટ્રાફિક જામની કે અન્ય મુશ્કેલી ન સર્જે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી આયોજન કર્યું છે અને નિર્ધારિત સ્થળે વાહનોના પ્રવેશથી લઈને પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે.