જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળાના ચાર દિવસ દરમિયાન ભવનાથમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાની કામગીરી સામે આવી છે 30 જેટલા 108 ના કર્મચારીઓ દ્વારા મેળાના ચાર દિવસો દરમિયાન સતત ખડે પગે રહીને ભવનાથ અને જૂનાગઢ શહેરમાંથી 409 જેટલા દર્દીઓને સફળતાપૂર્વક હોસ્પિટલે ખસેડીને તેનો જીવ બચાવવામાં સફળ રહી છે.
108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાની કામગીરી : મહા વદ નોમથી મહા વદ તેરસ સુધી જૂનાગઢ શિવમય બનતુ હોય છે. ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો લાગે છે. જેમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો મેળાની મુલાકાત લેતા હોય છે. આવા સમયે મેળામાં આવેલા કેટલાક દર્દીઓને તબીબી સહાયતા તેમજ ઈમરજન્સી ઊભી થતી હોય છે. લાખો લોકોની વચ્ચે બીમાર પડેલા પ્રત્યેક વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 108 ની ટીમ દ્વારા મેળાના ચાર દિવસો દરમિયાન સતત 24 કલાક 30 જેટલા કર્મચારીઓએ સેવા બજાવીને ભવનાથ અને જૂનાગઢ શહેરમાંથી 409 જેટલા દર્દીઓને સફળતાપૂર્વક હોસ્પિટલે ખસેડીને તેનો જીવ બચાવ્યો છે.
આકસ્મિક કિસ્સામાં સહાયતા : ચાર દિવસ સુધી લાખોની સંખ્યામાં આવેલા શિવ ભક્તોને હૃદય રોગ શ્વાસ ખેંચ તાવ ડિહાઇડ્રેશન અને ભોજન બનાવતી વખતે દાઝી જવાની સાથે સામાન્ય અકસ્માતોના કિસ્સા બનતાં હોય છે. ચાર દિવસ દરમિયાન 70 કરતાં વધુ દર્દીઓને ભવનાથ મેળામાંથી લાખો લોકોની ભીડની વચ્ચેથી હોસ્પિટલ સુધી ખસેડીને તેને તબીબી સુવિધાઓ સમય રહેતા પહોંચાડીને તેનો જીવ બચાવવામાં ખૂબ જ મહત્વની કામગીરી 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભવનાથ પોલીસ સ્ટેશન શિલાલેખ કાળવા ચોક રેલવે સ્ટેશન ગિરનાર પાર્કિંગ જિલ્લા કંટ્રોલરૂમ અને જૂનાગઢ બાયપાસ સહિતના કેટલાક વિસ્તારોમાં ચાર દિવસ દરમિયાન 409 જેટલા દર્દીને હોસ્પિટલે ખસેડીને તેનો જીવ બચાવ્યો છે.
જિલ્લા કોઓર્ડીનેટરે આપી માહિતી : જૂનાગઢ જિલ્લા 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાના કોઓર્ડીનેટર મહેન્દ્રસિંહ ચૌહાણે શિવરાત્રીના દિવસો દરમિયાન 108 સેવા દ્વારા લોકોને જે રીતે સુવિધાઓ અને ખાસ કરીને ખૂબ જ ગંભીર કિસ્સામાં સમય રહેતા હોસ્પિટલને પહોંચાડ્યા છે તેની વિગતો આપી છે. ચાર દિવસ દરમિયાન 409 જેટલા લોકોને 108 ના કર્મચારીઓએ જેતે નજીકની હોસ્પિટલે પહોંચાડ્યા છે. શિવરાત્રી અને પરિક્રમાના મેળા દરમિયાન 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાની ખૂબ વિશેષ જવાબદારી હોય છે જેમાં 108 તેને મળેલી જવાબદારી સુપેરે નિભાવીને દર્દીઓને આરોગ્યની સેવાે લઈને પૂરી પાડે છે.