જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામના મહિલા કોમલબેન મક્કાના પતિ ભારતીય સેનામાં સેવા દરમિયાન શહીદ થાય હતા. પરંતુ આ ઘટનાથી હાર ન માનતા કોમલબેન આજે મક્કમ મનોબળ સાથે સ્વયંમ પોતાના પતિની જગ્યા પર ભારતીય સેનામાં જોડાયા છે, અને સમગ્ર મહિલાઓ માટે એક આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પડી રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ પરિવારના સભ્યોનું અવસાન થાય ત્યારે સમગ્ર પરિવાર ભાંગી જતો હોય છે. ત્યારે શહીદ મહેશ સિંહ મક્કાની જગ્યા પર એસએસબી પેરા મિલેટરી ફોર્સમાં જોડાઈને કોમલબેને ન માત્ર એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે, પરંતુ પરિવારમાંથી શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો પણ સેનામાં જોડાય તેવું ઉત્તમ દ્રષ્ટાંત પણ પૂરું પાડ્યું છે.
શહીદ જવાનના પત્ની પણ પતિના પગલે સેનામાં: કોમલબેન મક્કા આજે ભારતીય સેનામાં જોડાઈને એક આદર્શ અને અનુકરણીય દ્રષ્ટાંત પૂરું પાડે છે. મહિયા રાજપૂત સમાજમાંથી આવતા કોમલબેન મક્કા પોતાના પતિ મહેશ સિંહ મક્કા, ભારતીય સેનામાં આસામ 31 બટાલીયનમાં ફરજ દરમિયાન અકસ્માતે શહીદ થયા હતા. તેમની જગ્યા પર આજે તેમના પત્ની કોમલબેન મક્કા ભારતીય સેનામાં જોડાઈને પતિની દેશ સેવાની ધગશને આગળ વધાવી રહ્યા છે. કોમલબેનના પતિ શહીદ મહેશ સિંહ મક્કા દેશ સેવા માટે ભારતીય સેનામાં જોડાયા હતા. તેઓ 9 ઓક્ટોબર 2021 ના દિવસે શહીદ થયા હતા. આ ઘટના બાદ કોમલબેન મક્કા માનસિક રીતે પડી ભાંગવાની જગ્યા પર મજબૂત મનોબળ સાથે પતિની જગ્યા પર ભારતીય સેનામાં જોડાયા.
રાજસ્થાનમાં આકરી તાલીમ, લખીમપુર ખીરીમાં પોસ્ટિંગ: પતિના શહીદ થયા બાદ આસામ 21 બટાલિયનમાંથી કોમલબેન મક્કાને ભારતીય સેનામાં જોડાવા માટે તેમનો અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો. ભારતીય સેનામાં પતિની જગ્યા પર જોડાવાનો સેનામાંથી આવેલો એક ફોન કોલે આજે કોમલબેનનું જીવન બદલી નાખ્યું છે. પરિવારના કેટલાક સભ્યો એક મહિલા અને શહીદના પત્નીને સેનામાં ન જવું જોઈએ તેવા વિરોધ દર્શાવી રહ્યા હતા. પરંતુ આ તમામ વચ્ચે પણ કોમલબેને તેના પાંચ વર્ષના પુત્ર ડેવિડને એક સારું જીવન મળે તે માટે સમાજ અને પરિવારના તમામ વિરોધની વચ્ચે ભારતીય સેનામાં જોડાવાનો નિર્ણય લીધો.
મહિયા રાજપૂત સમાજના મહિલા સૈનિક: મક્કમ મનોબળ સાથે તેમણે તમામ સરકારી કામગીરી પૂર્ણ કરીને રાજસ્થાનમાં ખૂબ જ આકરી કહી શકાય તેવી ભારતીય સેનાની તાલીમમાં 11 મહિનામાં પૂર્ણ કરી છે. અને આજે તેઓ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એસએસબી પેરા મિલેટ્રી ફોર્સમાં મહિલા જવાન તરીકે દેશ સેવા કરી રહ્યા છે. કોમલબેનના પતિ જ્યારે સેનામાં હતા ત્યારે સેનામાં જોડાવાને લઈને તેમને ક્યારેય કોઈપણ વિચાર આવ્યો ન હતો, પરંતુ પતિની શહીદી બાદ તેમણે દેશ સેવામાં જોડાવાનું નક્કી કર્યું અને આજે મહિયા રાજપૂત સમાજના મહિલા સૈનિક તરીકે પણ ગર્વભેર પોતાનું અને પોતાના સમાજનું નામ રોશન કરી રહ્યા છે.
પતિની શહીદી બાદ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો: ભારતીય સેનામાં મહેશ સિંહ મક્કા શહીદ થયા બાદ પરિવાર પર અણધારી આફત આવી પડી હતી. આપત્તિના સમયે કોમલબેને પરિવાર અને અન્ય લોકોના વિરોધ વચ્ચે પણ ભારતીય સેનામાં જોડાવાનું નક્કી કર્યું, જેમાં તેમના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો. આજે કોમલબેન ચોક્કસ માને છે કે, તેમના શહીદ પતિ મહેશ સિંહ મક્કા તેમની વચ્ચે નથી, પરંતુ તેમનો અહેસાસ અને તેમની પરિવાર પ્રત્યેની લાગણી આજે પણ સતત અનુભવાતી જોવા મળે છે. જેના કારણે જ તેઓ આજે પારિવારિક, સામાજિકની સાથે તમામ લડાઈ અને વિરોધ વચ્ચે પણ ભારતીય સેનામાં મહિલા સૈનિક તરીકે જોડાઈને દેશ સેવા કરી રહ્યા છે.
શહીદના પત્ની તરીકે હાર સ્વીકારવી અશક્ય: ભારતીય સેનાની પેરા મીલેટરી ફોર્સમાં જોડાવાને લઈને કોમલબેન મક્કા એ etv ભારત સાથે વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમના લગ્ન પૂર્વે અને લગ્ન બાદ કેશોદ શહેરની બહાર ક્યારે ગયા નથી, પરંતુ એક શહિદના પત્ની તરીકે જો આ પ્રકારની મર્યાદામાં કોઈ પણ મહિલા જોવા મળે તો તે યોગ્ય નથી. કોમલબેન કે જેમણે પોતાના જીવનમાં ક્યારેય કેશોદ બહારનું સ્થળ જોયું ન હતું આવા સમયે તમામ પડકારને સ્વીકારીને તેઓ રાજસ્થાનમાં ભારતીય સેનામાં તાલીમ મેળવવા માટે જોડાયા અને તાલીમ પૂર્ણ કરીને આજે મહિલા સૈનિક તરીકે એસએસબીમાં ફરજ બજાવી રહ્યા છે.
પ્રત્યેક મહિલા સ્વયંમ આગળ આવવા સમર્થ થવી જોઈએ: એક શહીદના પત્ની તરીકે પતિના પગલે ભારતીય સેનામાં સામેલ થયેલા કોમલબેન મક્કા અન્ય મહિલાઓને પણ પોતાનો સંદેશો આપતા જણાવે છે કે, વિશ્વની તમામ મહિલાઓ સમર્થ હોય છે. મહિલાઓએ હવે આગળ આવવાની જરૂર છે. ન માત્ર ભારતીય સેનામાં, પરંતુ મહિલાઓએ પોતાને અનુકૂળ અને રસના ક્ષેત્રમાં કામ કરવાની સાથે તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે એક ડગલું આગળ ભરવું પડશે. તેઓ આજે તેમના પતિની ઈચ્છાને પગલે ભારતીય સેનામાં જોડાયા છે, તેવી જ રીતે કોઈ પણ મહિલા તેમના મનગમતા ક્ષેત્રમાં આગળ આવવી જોઈએ. કારણ કે તેમનું આ સાહસ અન્ય મહિલા માટે એક ઉદાહરણ પૂરું પડે છે. અને તેનું દ્રષ્ટાંત સમાજ સમક્ષ આપવું જોઈએ.
આજે કોમલબેન તેમના પાંચ વર્ષના બાળકને સારું અને શ્રેષ્ઠ જીવન મળે તેમજ પોતાના શહિદ પતિની દેશ સેવાની જે લાગણી હતી તેને જીવંત રાખવા માટે સ્વયંમ સૈનિક તરીકે ભારતીય સેનામાં જોડાયા છે.
આ પણ વાંચો: