જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા દેવ-દિવાળીની મધ્યરાત્રીએ પરીપૂર્ણ થવા જઈ રહી છે. આમ, પરિક્રમાના અત્યાર સુધીના ઇતિહાસમાં કેટલાક પ્રસંગોએ પરિક્રમાને બંધ રાખવાની ફરજ પણ પડી હતી. આદી અનાદિ કાળથી સતત યોજાતી આવતી પરિક્રમા લોકાભિમુખે વર્ષ 1864માં જૂનાગઢના દિવાન અનંતજી વાસાવડાના પ્રયાસોથી સંઘ યાત્રા મારફતે શરૂ થઈ છે. જે આજે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓમાં પરિવર્તિત થઈ ચૂકી છે. પરિક્રમા અને લગતો સમગ્ર ઇતિહાસ શું છે, ચાલો જાણીએ...
એક સદી પૂર્વે શરૂ થઈ હતી પરિક્રમાની પરંપરા: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. દેવ-દિવાળીની મધ્ય રાત્રે વિધિવત રીતે પરિક્રમાને પૂર્ણ જાહેર કરવામાં આવશે. ત્યારે પરિક્રમાનો ઇતિહાસ પણ પરિક્રમાર્થીઓની સંખ્યા જેટલો જ રસપ્રદ છે. લોક પરંપરા અને વાયકા અનુસાર આદી અનાદિકાળ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણએ સૌપ્રથમ વખત ગિરનારની પરિક્રમા કરીને આ લોક પરંપરાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 1864માં જૂનાગઢના નવાબ હમીદ ખાનના દિવાન અનંતજી વસાવડાના પ્રયાસોથી 1864 માં યાત્રિકોના એક સંઘ દ્વારા ગિરનારની પરિક્રમા કરાઈ હતી, ત્યારથી આ પરંપરા આજે લોક સંસ્કૃતિ અને સૌથી મોટા ઉત્સવમાં પરિવર્તિત થઈ ચૂકી છે.
આધુનિક યુગમાં એક સદી પૂર્વેની પરંપરા: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ફરીથી શરૂ થાય તે માટે વર્ષ 1845 થી લઈને 1860 સુધી નવાબના શાસનમાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 1864 માં સફળતા મળી અને દિવાન અનંતજી વસાવડાની સાથે જૂનાગઢના લોકોના કેટલાક સંઘો પરિક્રમામાં જોડાયા. જેમાં બગડુંના અજાજી ભગત પણ શ્રદ્ધાળુઓનો એક સંઘ લઈને જૂનાગઢ આવ્યા અને 1864 પૂર્વે બંધ પડેલી પરિક્રમાને ફરી એક વખત યાત્રિકોના સંઘ સાથે શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ત્યારે ખૂબ જ જુજ લોકોની હાજરીમાં આ પરિક્રમા થઈ હતી જે આજે લાખોની સંખ્યામાં પરિક્રમાથીઓની હાજરીમાં પરિવર્તિત થઈ ચૂકી છે.
પ્લેગ રાશનની અછત અને વિશ્વયુદ્ધમાં પણ બંધ: ગિરનારની લીલી પરિક્રમા આકસ્મિક સંજોગોને ધ્યાને રાખીને અગાઉના વર્ષોમાં બંધ રાખવાની ફરજ પણ પડી હતી. વૈશ્વિક સ્તરે પ્લેગ જેવી બીમારીના ભરડાને કારણે પરિક્રમા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો કેટલાક કિસ્સામાં દુષ્કાળ અને રાશન કેરોસીન અને ખાંડ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઊભી થવાને કારણે પણ પરિક્રમાને બંધ રાખવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધના સમયે પણ ગિરનારની લીલી પરિક્રમા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોના સંકટમાં પણ પ્રથમ વર્ષે પરિક્રમા સંપૂર્ણપણે બંધ રખાઈ હતી. ત્યાર પછીના એક વર્ષે માત્ર પ્રતિકાત્મક કે જે ધાર્મિક વિધિવત પૂર્ણ થાય તે માટે 500 સાધુ સંતોએ પરિક્રમા કરીને પરિક્રમાની વિધી પૂર્ણ કરવામાં આવી હતી. આવા આકસ્મિક સંજોગોને બાદ કરતા પરિક્રમા વર્ષ 1864 થી સતત અને અવિરત પણે યોજાતી આવે છે.
આ પણ વાંચો: