રાજકોટઃ ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે 'ગોંડલ ગણેશ' અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યુ હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી બાજું 'ગોંડલ ગણેશ' ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું.
રેલી બાદ મહાસંમેલનઃ રેલી બાદ દલિત સમાજ દ્વારા ડૉ.આંબેડકર ચોક ખાતે મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ, અને વડીલો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મૂછળીયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને ગાળો આપતા હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો. રાજકોટ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે અત્યારસુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી છે. દલિતોની એક જ માંગ છે કે આરોપીઓ સામે ગુજસી ટોકની કલમ લાગુ કરવામાં આવે છે.
4 માંગણીઓઃ મહાસંમેલનમાં અનુસૂચિત જાતિ સમાજે સરકાર સમક્ષ 4 માગ મૂકી છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કલમ 120B ઉમેરવામાં આવે. આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે. સરકાર આ કેસ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવી 6 મહિનામાં કેસનો નિકાલ કરે તેવી માગ કરાઈ છે.
રાજુ સોલંકીના વાકપ્રહારઃ રાજુ સોલંકી અને તેના દીકરા ઉપર 17થી વધુ કેસ મામલે રાજુ સોલંકીએ જણાવ્યું કે, કદાચ મારા પર 100 ગુના કે 200 ગુના હોય તો શું મારા દીકરાનું અપહરણ કરી તેને મારવાનો? ત્યારે જયરાજસિંહ ક્યાં દૂધે ધોયેલો છે? તેમને પીએસઆઇ પર ફાયરિંગ કરેલું છે. જયરાજસિંહ પણ હાલ મર્ડર કેસમાં જામીન પર છે.
2016માં દલિત કાંડઃ 2016માં ઉના દલિત કાંડ બાદ આઢ વર્ષે ફરીવાર દલિત સમાજ અન્યાય સામે લડવા માટે એકમંચ પર એકઠું થયું છે. વર્ષ 2016ની અગિયારમી જુલાઈએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેર રસ્તા પર બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિતોને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. બાલુભાઈ સરવૈયા સહિતના પાંચેય દલિત પુરુષોએ ગૌહત્યા કરી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો, પણ દલિત પુરુષોએ એવું કહ્યું હતું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા હતા. જ્યાંથી દેશભરમાં દલિત ચળવળને વેગ મળ્યો હતો. આ ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું હતું.