જૂનાગઢ : ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત અન્ય નવ સાગરીતો વિરુદ્ધ જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને જાનથી મારી નાખવા અને જાતિ પ્રત્યે અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. આ મામલે જૂનાગઢ પોલીસે 3 જૂનના રોજ જસદણના ત્રણ આરોપીની અટકાયત કરી આ મામલે ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં ગણેશ ગોંડલની જામીન અરજી મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ આજે આ મામલામાં વધુ એક તારીખ પડી છે. અને હવે જામીન અરજી મુદ્દે સુનાવણી 16 જુલાઈએ થશે.
આરોપીઓની જામીન અરજી નામંજૂર : જૂનાગઢ પોલીસે તમામ આરોપીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓએ 21 જૂનના દિવસે જામીન અરજી કરી હતી. જેની સુનાવણી પૂર્ણ થઈ જતા આજે તમામ આરોપીની જામીન અરજી જૂનાગઢ કોર્ટે ફગાવી દીધી છે.
શું હતો સમગ્ર મામલો ? ગત 31 મેની મધ્યરાત્રીએ સંજય સોલંકીની ગણેશ જાડેજા અને તેના કેટલાક સાગરિતો સાથે વાહન ચલાવવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ સંજય સોલંકીનું અપહરણ કરીને ગોંડલ નજીક કોઈ અજાણી જગ્યાએ બંધક બનાવી માર માર્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. આ અંગે દલિત યુવક સંજય સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ પોલીસે 3 જૂનના રોજ પ્રથમ જસદણના ત્રણ અને 6 જૂનના રોજ મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીની અટકાયત કરીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા.
જૂનાગઢ કોર્ટમાં સુનાવણી : પોલીસ દ્વારા રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયેલા તમામ આરોપીની રિમાન્ડ જૂનાગઢ કોર્ટે નામંજૂર કરીને તમામ આરોપીને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી ગણેશ જાડેજાની સાથે અન્ય આરોપીઓ દ્વારા 21 જૂનના દિવસે જૂનાગઢ જિલ્લા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. બચાવ અને ફરિયાદી પક્ષના વકીલો દ્વારા સાંજ સુધી દલીલો ચાલી હતી. ત્યારબાદ જૂનાગઢ કોર્ટે આરોપીઓને જામીન આપવા કે નહીં તેનો ચુકાદો 25 જૂને આપવાનું નક્કી કર્યું હતું. હવે આજે જૂનાગઢ કોર્ટે તમામ આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
ફરિયાદી પક્ષની ધારદાર દલીલ : આરોપી ગણેશ જાડેજા તરફથી જૂનાગઢના એડવોકેટ રાજેશ બુચ અને ફરિયાદી સંજય સોલંકી તરફે વકીલ સંજય પંડ્યા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી પક્ષના વકીલે આરોપીને જામીન આપવાની વાતનો વિરોધ કરીને વાંધા અરજી રજૂ કરતા જણાવ્યું કે, આરોપીઓ રાજકીય રીતે ખૂબ જ વગ ધરાવે છે, આર્થિક રીતે પણ તે સક્ષમ છે જેને ધ્યાને રાખીને જો આરોપીઓને જામીન આપવામાં આવે તો, તેઓ જામીન પર છૂટ્યા બાદ પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. સાથે જ ફરિયાદી પક્ષને પણ કોઈ નુકસાન કરી શકે છે.
ગુજરાત હાઈકોર્ટમાં પહોંચશે મામલો ? મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીની જામીન અરજી આજે જૂનાગઢ જિલ્લા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હવે સમગ્ર મામલામાં આરોપી દ્વારા જામીન મેળવવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી દાખલ કરવી પડશે. આ કેસમાં મારામારી, અપહરણ અને જાનથી મારી નાખવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તેને લઈને રાજ્યની વડી અદાલત આરોપીને જામીન આપે છે કે કેમ તે પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની શકે છે. હાલ આરોપી પક્ષ તરફથી રાજ્યની વડી અદાલતમાં જામીન અરજી કરવામાં આવશે કે નહીં તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.