જૂનાગઢ: માહિતી અધિકાર અધિનિયમ અન્વયે જૂનાગઢના નાગરિક લોકેશ પોપટાણી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક વિભાગમાં ખરીદીને લઈને ગંભીર આક્ષેપો કરાયા હતા. સમગ્ર મામલામાં જેના પર આરોપ થયા છે તેવા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ વિભાગના અધિક્ષક એચ.કે. ચુડાસમાએ લોકેશ પોપટાણી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયા વિહોણા ગણાવ્યા છે અને સમગ્ર ખરીદ પ્રક્રિયા ઓનલાઈન ટેન્ડર મારફતે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા નિયમો અનુસાર કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો છે.
જાગૃત નાગરિકના આક્ષેપ અધિકારીઓએ ગણાવ્યા પાયા વિહોણા: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા જૂનાગઢ મનપાના ઉપયોગમાં લેવા માટે ઇલેક્ટ્રિક પંખા, લીફ્ટ, વોટર કુલર અને એસીની ખરીદીમાં મોટા પ્રમાણમાં ગરબડ થઈ હોવાનો આક્ષેપ જૂનાગઢના નાગરિક લોકેશ પોપટાણી દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રોનિક્સ વિભાગના અધિક્ષક ઇજનેર એચ.કે. ચુડાસમા દ્વારા લોકેશ પોપટાણીએ જે આક્ષેપો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેમના વિભાગ પર કર્યા છે તે બિલકુલ પાયા વિહોણા છે તમામ આક્ષેપો સત્યથી બિલકુલ અલગ છે તેમ જણાવીને લોકેશ પોપટાણી જૂનાગઢ શહેરમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
એસી, લિફ્ટ અને પંખાની ખરીદીમાં ગડબડનો આરોપ: લોકેશ પોપટાણી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા પંખા, વોટર પ્યુરીફાયર, લિફ્ટ અને એસીની ખરીદીમાં ખૂબ મોટી ગડબડ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનને પંખો જે કિંમતે ખરીદ્યો છે તેના કરતાં અડધી કિંમતમાં પંખો બજારમાં ઉપલબ્ધ છે. આવી પરિસ્થિતિમાં 1200 રૂપિયાના પંખાના કોર્પોરેશનએ 2500 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવ્યો છે તેને લઈને તેઓએ સવાલો ઊભા કર્યા છે.
વધુમાં ટીંબાવાડી સીએચસીમાં પણ લિફ્ટ અને વોટરફ્યુરી ફાયરની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત પણ લાખોમાં થાય છે જેને પણ લોકેશ પોપટાણીએ અયોગ્ય ગણાવી હતી.
સૌથી નીચું ટેન્ડર પ્રાપ્ત થયું હતું તેને પાસેથી ખરીદી કરાઈ છે: સામે પક્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રોનિક્સ વિભાગના અધિક્ષક ઇજનેર એચ.કે. ચુડાસમાએ પંખા, લીફ્ટ, વોટર કુલર અને એસીની ખરીદી સરકાર દ્વારા નિર્ધારિત કરેલા નીતિનિયમો મુજબ ઓનલાઈન અને ટેન્ડર પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ પણે કરવામાં આવી હોવાની વિગતો પણ આપી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, જે રીતે લોકેશ પોપટાણી આક્ષેપો કરી રહ્યા છે તે પ્રમાણે એક પણ ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવી નથી. ઓનલાઇન ટેન્ડર મારફતે જે સૌથી નીચું ટેન્ડર પ્રાપ્ત થયું હતું તેને પાસેથી ખરીદી કરાઈ છે. તમામ ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા જે નીતિનિયમો નિર્ધારિત કરેલા છે તે મુજબ ખરીદી કરવામાં આવી છે. જેની તમામ વિગતો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ લોકેશ પોપટાણીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: