જૂનાગઢઃ અમદાવાદના ટ્રાવેલ એજન્ટ અને આરોપી એવા હર્ષિલ જાદવને જૂનાગઢ બી ડિવિઝનના PSI મુકેશ મકવાણાએ માર માર્યો હોય તેવી ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હર્ષિલ જાદવે આ ફરિયાદ કરી છે, તેથી હોસ્પિટલ ડીઓ દ્વારા આ વર્દી જૂનાગઢ પોલીસને મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
સમગ્ર ઘટનાક્રમઃ જૂનાગઢ બી ડિવિઝનના PSI મુકેશ મકવાણા પર અમદાવાદના ટ્રાવેલ એજન્ટ હર્ષિલ જાદવને માર મારવાના ગુનામાં પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. થોડા દિવસ પૂર્વે જૂનાગઢના એક વ્યક્તિએ અમદાવાદના ટ્રાવેલ એજન્ટ હર્ષિલ જાદવ પાસે પ્રવાસને લઈને કોઈ આર્થિક વ્યવહાર કર્યો હતો. જેના બદલે ટ્રાવેલ એજન્ટ હર્ષિલ જાદવ સર્વિસ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. તેથી જૂનાગઢની વ્યક્તિએ હર્ષિલ જાદવ વિરુદ્ધ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 406 અને 420ની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આરોપી હર્ષિલ જાદવની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસે તેને માર માર્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે.
અમદાવાદ હોસ્પિટલ ICUમાં દાખલઃ આરોપી હર્ષિલ જાદવને કોર્ટ દ્વારા જામીન મળતા તે અમદાવાદ પહોંચ્યો હતો. તે પોલીસના ખૂબ જ ગંભીર મારને કારણે બેભાન થઈ જતાં તેને અમદાવાદની હોસ્પિટલના ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. અહીં હર્ષિલ જાદવના ભાઈ બ્રિજેશ જાદવે PSI મુકેશ મકવાણા વિરુધ ફરિયાદ કરી હતી. જેમાં પોતાના ભાઈને ખૂબ જ ગંભીર માર મારવાનો ઉલ્લેખ હતો. જેથી જૂનાગઢ પોલીસે આજે PSI મુકેશ મકવાણા વિરુધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. એક સમયનો આરોપી હર્ષિલ જાદવ હવે ખુદ PSI મુકેશ મકવાણા સામે ફરિયાદી બન્યો છે તેથી આ કિસ્સો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સમગ્ર મામલામાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકના PSI મુકેશ મકવાણા વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ભારતીય દંડ સંહિતાની ધારા 307 અને 331 અનવ્યે પોલીસ ફરિયાદ નોંધી છે. સમગ્ર મામલાની તપાસ જૂનાગઢ સીપીઆઈને સોંપવામાં આવી છે...હિતેશ ધાંધલીયા(DYSP, જૂનાગઢ)