જૂનાગઢ : નાણાકીય વર્ષ 2023-24 માં જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માતબર આવક નોંધાઇ છે. વર્ષ 2022-23 માં થયેલી આવક કરતા વર્ષ 2023 માં 135 કરોડનો વધારો થયો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં એક વર્ષમાં આવકનો વધારો અને નાણાકીય વર્ષની લેવડ-દેવડ અત્યાર સુધીની સૌથી વધુ માનવામાં આવે છે.
જૂનાગઢ APMC ની આવક : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પોરબંદર, અમરેલી અને સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ કૃષિ જણસીના વેચાણ માટે દર વર્ષે મોટી સંખ્યામાં આવતા હોય છે, જેમાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહ્યો છે. અનાજ અને તેલીબિયાં સહિત અન્ય કૃષિ જણસીની જાહેર હરાજી થતા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 88 લાખ જેટલી સેસની આવક પણ થઈ છે. બીજી તરફ શાકભાજી અને ફળફળાદી યાર્ડમાં પણ નાણાકીય વર્ષમાં 12 લાખ રૂપિયાની આવક સેસના રૂપમાં થાય છે.
ખેડૂતલક્ષી સુવિધા : જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જે વાર્ષિક નફો થાય છે, તેમાંથી ખેડૂતલક્ષી વિવિધ સુવિધાનો પણ ઉમેરો થતો જાય છે. આધુનિક ખેડૂત વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે, જેમાં કૃષિ જણસી લઈને હરાજી માટે આવતા ખેડૂતોને વિનામૂલ્યે સગવડતાપૂર્વક રહેવાની વ્યવસ્થા પણ છે. બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં આવતા પ્રત્યેક ખાતેદાર ખેડૂતને 30 રૂપિયામાં ભરપેટ ગુજરાતી ભોજન મળી શકે તેની વ્યવસ્થા પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા કરી છે. વધુમાં જૂનાગઢ તાલુકાના નોંધાયેલા ખાતેદાર ખેડૂતોને રુ. 1 લાખની આકસ્મિક વીમા સહાય પણ આપવામાં આવે છે.
ખેડૂતોએ આપી પ્રતિક્રિયા : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચવા માટે આવેલા વંથલીના ખેડૂત ગિરીશભાઈ મોણપરાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, દર વર્ષે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ વધારો થયો છે. પરંતુ જે રીતે ખેડૂતોને ખર્ચ આવી રહ્યો છે તેની સરખામણીમાં કૃષિ જણસીના ભાવ અપૂરતા છે. ગત વર્ષે રુ.434 માં ઘઉં વહેંચ્યા, તેમાં વધારો થઈને 513 સુધી ભાવ પહોંચ્યા છે. પરંતુ ખેતી ખર્ચનો વધારો ભાવ વધારાને ખેડૂતો સુધી પહોંચવા દેતો નથી.