સાબરકાંઠા: સાબરકાંઠાના અરવલ્લીની ગિરિમાળાઓમાં હજારો પશુ પંખીઓ તેમનો વસવાટ કરી રહ્યા છે. જોકે ઈડર ગઢ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી જીવદયા ગ્રુપ આવા અબોલ પશુ પંખીઓ માટે પાણી તેમજ ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે. સામાન્ય રીતે સેવા કરનારાઓની સંખ્યા ખૂબ મોટી છે, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના અબોલ પશુ-પંખીઓ માટે કામ કરનારો વર્ગ ખૂબ ઓછો છે. તેવા સમય સંજોગે ઇડરના જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી નિયમિત રીતે હજારો લિટર પાણી તેમજ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે એટલું જ નહીં પણ વાનરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે એક તરફ દિન પ્રતિદિન ગરમી વધી રહી છે, ત્યારે માનવ જીવન માટે પર્વતીય વિસ્તારમાં રહેવું અસહ્ય બનતું હોય છે. ત્યારે ઈડરના આ ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રૂપે પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અબોલ મૂંગા જાનવરો માટે જાણે કે પરિવારના સભ્યો: અરવલ્લીની ગિરિમાળાઓ એ જોવા લાયક અદભૂત સ્થળ છે, પરંતુ જાણવા જેવી બાબત એ છે કે, આ ગિરિમાળાઓ કેટલાય જીવો માટે એકમાત્ર આશ્રસ્તાન છે. અને સાબરકાંઠાના ઈડરના ગઢ વિસ્તારમાં હજારો પશુ પંખીઓ માટે જીવદયા ગ્રુપ પરિવાર સમાન બની રહ્યું છે. આ ગ્રુપ દ્વારા પક્ષીઓને ચણ તેમજ વાનરો સહિત અન્ય જીવો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે જીવ દયા ગ્રુપના સભ્યો ઈડર ગઢ ઉપર પ્રતિ દિવસ ભોજન તેમજ પાણી લઈને જાય છે, ત્યારે કેટલાય પશુ પંખીઓ સહિત અબોલ મૂંગા જાનવરો માટે જાણે કે પરિવારના સભ્યો આવ્યા હોય તેમ એક સાથે તેઓ હાજર થાય છે. તેમજ જીવદયા ગ્રુપ દ્વારા પાણી સહિત આપવામાં આવતા ભોજન કરી શાંતિ અનુભવે છે. જોકે કાળજાળ ગરમીથી છુટકારો મેળવવા માટે પાણી સહિત ભોજન મળતા આ વિસ્તારના કેટલાય પશુ પંખીઓ તેમજ અબોલ જીવો માટે જીવદયા પરિવાર એક કુટુંબ સમાન ભાવ આપી રહ્યું છે. સામાન્ય રીતે કેટલાય વન્ય જીવો માટે જીવ દયા ગ્રુપ નવજીવન આપનારું બની રહ્યું છે.
30 વર્ષથી નિસ્વાર્થ ભાવે કરાતી સેવા: જો કે એક તરફ કલયુગમાં વ્યક્તિ કમાવાની દોટમાં જીવન પસાર કરી રહ્યો છે. તેમજ થોડાક સ્વાર્થમાં કોઈ પણ હદે જઈ રહ્યો છે, ત્યારે જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી નિસ્વાર્થ ભાવે કરાતી સેવા આગામી સમયમાં પણ યથાવત રહેશે, તો ઈડર ગઢ વિસ્તારમાં રહેતા અબોલ પશુ પંખીઓ સહિત કેટલાય જીવ માટે આશીર્વાદ સ્વરૂપ બની રહે તો નવાઈ નહીં.