જામનગરઃ છેલ્લાં 15 દિવસથી રાજ્યમાં રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર અને સાંસદ પરષોત્તમ રુપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદીત નિવેદન અંગે જામસાહેબે પત્ર લખીને પોતાની પ્રતિક્રિયા આપી છે. શત્રુશૈલ્યસિંહજી મહારાજs એક લેખિત યાદી દ્વારા આ મુદ્દે આ આંદોલનને સમર્થન આપતા એક પત્રમાં લખ્યું છે કે આ પ્રકારનું રાજપૂતો વિરોધનું વલણ સાંખી નહીં લેવાય. આ પત્રમાં જામ સાહેબે જોહરને યોગ્ય ન ગણાવ્યું અને સાથે સાથે રાજપૂતોને અપીલ કરી છે કે તેમની એકતામાં જ અખંડતા છે અને એકતા ચૂંટણીમાં મતદાન કરી અને સાબિત કરી આપે.
રાજપુત એક્તા પર ભાર મુક્યોઃ જામસાહેબે પોતાની લેખિત પ્રતિક્રિયામાં રાજપુત એકતા પર ભાર મુકતા કહ્યું છે કે, રાજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રાજપૂતો ભેગા મળીને જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય, લોકશક્તિએ ભેગામળીને આપેલ લોકશાહી અનુરુપ સજા. વધુમાં જામસાહેબે આ પત્રમાં સમગ્ર ક્ષત્રિય અને રાજપૂત સમાજને અપીલ કરી છે કે ઉમેદવાર અને પક્ષનું આ વલણ શાખી ન લઈ અને ચૂંટણીમાં આ પક્ષ વિરુદ્ધ મતદાન કરીને તેમને હરાવો.
અન્ય રજવાડાઓ આગળ આવે તેવી સંભાવનાઃ મહદ અંશે કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહેનારા જામ સાહેબે આ મુદ્દે તેમની પ્રતિક્રિયાઓ આપતા રાજા રજવાડાઓમાં એક પ્રકારે ચર્ચાનો મુદ્દો બન્યો છે અને સાથે સાથે એવી પણ ક્યાંક સંભાવના જોવાઈ રહી છે કે જામનગર સ્ટેટ આ લડાઈમાં ઝમ્પલાવતા આગામી દિવસોમાં અન્ય બીજા નામાંકિત રજવાડાઓ પણ જો તેમનું વલણ અને મંતવ્ય રજૂ કરે તો નવાઈ નહીં.