જામનગર: બંધ ઘરોને નિશાન બનાવી લૂંટતા તસ્કરો જામનગરમાં બેફામ બન્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ જામનગર સ્થાયી થયેલ નિવૃત્ત આર્મીમેનના બંધ ઘરમાંથી ચોરોએ કુલ 18.58 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવતા સનસની મચી ગઈ છે. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ જામનગરના બાલાજી પાર્ક પાસેના નંદનવન પાર્કમાં નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપ સુધાકર રહે છે. રણવીર પ્રતાપના દાદીનું તેમના વતનમાં અવસાન થતાં તેઓ અંતિમક્રિયા માટે યુપી ગયા હતા. આ દરમિયાન ચોરોએ તેમના બંધ ઘરમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. ચોરોએ રસોડાની બારીની ગ્રીલ કાપીને ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પડેલ દારુ-બિયરની જયાફત માણી. લાયસન્સવાળી પિસ્તોલ ચોરી લીધી. ચોરોએ ઘરમાં પડેલા 13.68 લાખ રોકડા, 1 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના, 3 લાખની વધુ કિંમતના ચાંદીના સિક્કા એમ કુલ મળીને 18.58 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી છે.
પોલીસ કાર્યવાહીઃ નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપના મિત્ર તેમના બંધ ઘરે નિયમિત છોડને પાણી પીવડાવવા જતા હતા. ચોરીના બીજા દિવસે તેઓ મિત્રના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે આ ચોરીની જાણ થઈ. આ મામલે જામનગર સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની વિગતો આપતા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નિવૃત્ત આર્મીમેન પોતાના વતનમાં સામાજિક કામ માટે ગયા ત્યારે તેમના બંધ ઘરમાં ચોરોએ ઘરફોડ ચોરી કરી છે. પોલીસ આ કેસમાં સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ કરી રહી છે.