જામનગર: રક્તદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. મહામુલી માનવ જિંદગીને બચાવવામાં રક્તદાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. ત્યારે લોકોમાં પણ હવે ધીરે ધીરે બ્લડ ડોનેશનને લઈને જાગૃતતા આવી રહી છે. પરંતુ જામનગરમાં એક બાજુ રોગચાળો વકર્યો છે તો બીજી બાજુ જિલ્લાની સરકારી જી.જી હોસ્પિટલના બ્લડ બેંકમાં લોહીની અછત જોવા મળી રહી છે.
અહીં હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને પણ પ્રસૂતા વખતે લોહીની તાતી જરુરીયાત પડે છે. થેલેસેમિયાના રજીસ્ટર 350 દર્દીઓને પણ નિયમિત લોહી આપવામાં આવે છે. ઉપરાંત હાલ ડેન્ગ્યુના કેસ વધતા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થઈ છે. પરિણામે હાલ બ્લડ બેન્કમાં લોહીની જરૂરિયાત વધુને વધુ પ્રમાણમાં છે પરંતુ તેની અછતને પરિણામે હોસ્પિટલ તંત્ર રક્ત દાન માટે અપીલ કરી રહ્યું છે.
આમ, જામનગરની જી.જી હોસ્પિટલમાં આવેલ બ્લડ બેન્કમાં રક્તની ઘટ સર્જાઈ હતી. પરંતુ બ્લડ બેન્કની એક હાકલને પગલે જામનગરમાં ઠેર ઠેર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ, વોલેન્ટિયર અને તમામ રક્તદાતાઓને હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. પરિણામે હવે પૂરતા પ્રમાણમાં રક્તનો જથ્થો એકત્રિત થવા લાગ્યો છે.
હવે સામાજિક કાર્યોમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે. પરિણામે મોટા પ્રમાણમાં લોહી એકત્રિત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, જામનગરમાં એક સરકારી હોસ્પિટલમાં બ્લડ બેન્ક આવેલી છે. આ બ્લડ બેન્કમાં જરૂરિયાતવાળા તમામ લોકોને એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર લોહી આપવામાં આવે છે.
સરકારી હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને જરૂરિયાત પ્રમાણે નિઃશુલ્ક બ્લડ આપવામાં આવે છે. આ બ્લડ બેન્ક અત્યાધુનિક મશીનોથી તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોહીનું સારી રીતે સંગ્રહ કરવામાં આવે છે. અહીં એક એવા પ્રકારનું મશીન છે જે લોહીને એક વર્ષ સુધી સારી રીતે સંગ્રહ કરી શકે છે.
આ પણ વાંચો: