ગોધરા, પંચમહાલ: અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળી હતી. ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરામાં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનાં રથને શહેરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિર ખાતેથી બપોરનાં સમય બાદ નગરચર્યા અર્થે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
જે રથયાત્રામાં અધિક નિવાસી કલેકટર એમ.ડી.ચુડાસમા,પંચમહાલ ગોધરા રેન્જ આઇજીપી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એનવી પટેલ સહિત વિવિધ અધિકારીઓ,નગર પાલિકાનાં સભ્યો,વિવિધ સમાજના અગ્રણીઓની સાથે સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાઈઓ,બહેનો,વડીલો,બાળકો એ ભગવાન જગન્નાથજીનાં રથને ખેંચી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા.ભાવિક ભક્તો કેસરી રંગના સાફા બાંધી રથયાત્રામાં જોડાતા આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને રણછોડજી મંદિર ખાતેથી રથયાત્રા નાં આયોજકો દ્વારા વિધિવત પ્રસ્થાન કરાવાયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ રણછોડરાયજીનાં નિજ મંદિર ખાતે પરત ફરી હતી.
ડભોઈ, વડોદરા: ડભોઇના શ્રી બદ્રીનારાયણ મંદિરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઇ હતી. વડોદરી ભાગોળ પાસે આવેલા શ્રી બદ્રીનારાયણ મંદિરેથી અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની ૧૫ મી ભવ્ય રથયાત્રા વર્ષોની પરંપરા મુજબ વાજતે-ગાજતે અને ભકતજનોના ઘોડાપુર સાથે નીકળી હતી. આ રથયાત્રા ડભોઇ નગરના ટાવર, લાલબજાર , કુંભારવાડા,જૈન વાગા, ઝારોલા વાગા થઈ પરત બદ્રીનારાયણ મંદિરે પહોંચી હતી. ચાંદીના રથમાં ભગવાન જગન્નાથજી સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા. આ શુભ દિવસે બદ્રીનારાયણ મંદિરએ જગન્નાથ ભગવાનનો સહસ્ત્ર ધારા અભિષેક સવારે ૮ થી ૧૦ કલાકે યોજાયો હતો. જેનો શ્રદ્ધાળુઓએ અમૂલ્ય લ્હાવો લીધો હતો. બપોરના ૧૨ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. રથયાત્રા પૂર્વે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દર વર્ષેની જેમ કરવામાં આવતું હતું. વિવિધ સંપ્રદાયના મહંતો રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. બપોરના ૩.૪૫ કલાકથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જે સાંજના સાત કલાકે મંદિર પરિસરમાં પરત આવી હતી. રથયાત્રામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો. બી .જે. બ્રહ્મભટ્ટ, ડભોઇ ભાજપા શહેર પ્રમુખ ડૉ.સંદિપશાહ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ડભોઈ કોંગેસના આગેવાનો, સુભાષભાઈ ભોજવાણી સહિતના કાયૅકતાઓ સહિત નગરના અગ્રણીઓ અને ભાજપ - કોંગેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ ડભોઇ નગરના ડી.વાય.એસપી આકાશ પટેલ, પીએસઆઇ એસ.એમ વાઘેલા સહિતના પોલીસ સ્ટાફના હોદ્દેદારો પણ ભગવાન જગન્નાથજી ની યથયાત્રાને શીશ ઝુકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
વ્યારા, તાપી: તાપી જિલ્લામાં પણ સતત નવમા વર્ષે જગન્નાથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હિસ્સો લીધો હતો, આ યાત્રા વ્યારાના અલગ અલગ વિસ્તારોમાં ફરી વ્યારાના મહાદેવ સોમીલ ખાતે આવેલ રાધાકૃષ્ન મંદિર ખાતે સમાપ્ત થઇ હતી. ફડ઼કેં નીવાશના રાધાકૃષ્ણ મંદિર ખાતેથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રથયાત્રા વ્યારા નગરમાં પહોંચતા મહિલા બાળકો સહીત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા, ઢોલ-નગારા ડીજેના નાદ સાથે જય જગન્નાથના નારા સાથે સમગ્ર નગરમાં યાત્રા ફરતા સમગ્ર વ્યારા નગર ભકતીમય માહોલ છવાયો હતો.
આણંદ: આણંદ શહેરમાં પણ ઇસ્કોન મંદિર આયોજીત 20મી રથ યાત્રા સાંજે 4 વાગ્યા બાદ આણંદ ટાઉન પોલીસ મથકે થી વિદ્યાનગર ઇસ્કોન મંદિર સુધી યોજાઈ હતી. આ રથયાત્રામા હાથી-ઘોડા પાલખી-જય કનૈયા લાલ કી સાથે હરે કૃષ્ણા હરે રામનો જયકાર પણ ગુંજી ઉઠ્યો હતો, નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજીનાં દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સાથે જ રથને ખેંચીને ભક્તોએ શ્રીજીના ઉત્સવનો આણંદ માણ્યો હતો. આણંદ ટાઉન પોલીસ મથકે ભગવાનની સુંદર શણગાર સજાવીને તેમની આરતી ઉતારવામાં આવી હતી, આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. નગર પરિભ્રમણ કરતી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કચ્છ-ભૂજ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજમાં અષાઢી બીજના ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી. જેમાં હરિભક્તો દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં મોટી માત્રા સાધુ,સંતો, મહંતો, નગરજનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. રથયાત્રામાં સામૈયા સાથે બહેનો, શંખ મંડળી, ભજન મંડળી અબ્દાગીરી સાથે ઘોડા, ઢોલ-શરણાઈ સાથે કચ્છી વાદ્ય તેમજ વૃક્ષ વિતરણ, સુવિચારો સાથે બાઈક સવારો પણ જોડાયા હતા. આ આયોજનને લઈને સમગ્ર ભુજ તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, જે રીતે જગન્નાથપુરીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે છેલ્લા 12 વર્ષથી આબેહૂબ રથ તૈયાર કરવામાં આવે છે અને તેમાં દેવોની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે. વિશેષમાં કચ્છ માટે ગૌરવની વાત એટલા માટે હોય છે કે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેજ દિવસે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એટલે આ રથયાત્રાને લઈને કચ્છમાં પણ અનેરો ઉત્સવનો માહોલ જોવા છે.આ વર્ષે પણ રથયાત્રા ભુજના માધાપરના ભગવાન સ્વામિનારાયણના સત્સંગી અરજણ ભુડિયા દ્વારા દર વર્ષની જેમ અષાઢીબીજ રથયાત્રા માટેના રથના નિર્માણ કાર્યની જવાબદારી લેવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષથી રથયાત્રા માટેના રથનું નિર્માણ માધાપર સ્વામિનારાયણ મંદિર યુવક અને યુવતી મંડળના લોકો કરી રહ્યા હતા.
બાલાસિનોર, મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રામજી મંદિર તથા પટેલવાડા સ્થિત રણછોડ રાયજી મંદિરથી રવિવારે અષાઢ સુદ બીજના શુભ દિવસે રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બાલાસિનોરના રામજી મંદિર તથા રણછોડ રાયના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રણછોડરાયના મંદિરથી સવારે 11 કલાકે 24 મી રથયાત્રા તેમજ રામજી મંદિરેથી 122 મી રથયાત્રા નીકળી નગરના મુખ્ય રસ્તાઓ પર ફરી હતી. અને રામેશ્વર મંદિરે પહોંચી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રથમાં બિરાજમાન ભગવાને ભાવિકોને દર્શન આપ્યા હતા. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આજે રવિવારે રામજીમંદિર ખાતેથી છેલ્લા 150 વર્ષથી પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રથયાત્રાને લઈ બાલાસિનોર રામજી મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. રથયાત્રાના ભાગ રૂપે આજે બાલાસિનોરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે પ્રભાત ફેરી, ત્યાર બાદ મંગળા આરતી, બપોરે 12 કલાકે આરતી અને 12: 15 વાગ્યાથી શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જુનાગઢ: સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથને સમર્પિત અષાઢી બીજનો તહેવાર રથયાત્રા સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથને મગ, જાંબુ, કાકડી સહિતનો પ્રસાદ અર્પણ કરવાની એક વિશેષ પરંપરા રહી છે, આ પ્રસાદમાં માલપુવા એક ખાસ વ્યંજન તરીકે ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવે છે. જગન્નાથપુરી કે અમદાવાદ રથયાત્રાના દિવસે ભગવાનને માલપુવાનો પ્રસાદ ધરીને તેને ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. અષાઢી બીજનો પર્વ સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે કેટલાક પ્રદેશોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના ગામો અને શહેરોમાં અષાઢી બીજ ના તહેવારને લઈને રામદેવપીરની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે જે રીતે ભગવાન જગન્નાથને માલપુવાનો પ્રસાદ ધરવામાં આવે છે બિલકુલ તેજ રીતે રામદેવપીરને પણ માલપુવાનો પ્રસાદ ધરવામાં આવે છે, જુનાગઢમાં પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા પણ છેલ્લા અનેક વર્ષોથી અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજની પૂજા કરીને માલપૂવાનો પ્રસાદ ગામ સમસ્ત આરોગવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે જે આજે આધુનિક યુગમાં પણ સતત જળવાતી જોવા મળે છે. કોળી સમાજના લોકો દ્વારા સ્વયં માલપુવાનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો, એક સાથે ચાર થી પાંચ હજાર કરતાં વધારે લોકોએ સાંજના સમયે એક છત નીચે એકત્રિત થઈને ભગવાનનો આ પ્રસાદ ગ્રહણ કરીને અષાઢી બીજની ઉજવણી કરી હતી.