સુરત : સુરતમાં હિટવેવની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે. શહેરમાં હાલ અંગ દઝાડતી ગરમી પણ પડી રહી છે, એવામાં હીટવેવની આગાહીને લઈને સુરત મનપા તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સુરત બન્યું હોટસ્પોટ : સુરતમાં હિટવેવની આગાહી વચ્ચે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઝોન અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. હીટવેવની આગાહીને લઈને સુરત મનપા તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ પણ શરુ કરી દેવામાં આવ્યો છે. આ વોર્ડમાં 10 બેડની સુવિધા પણ છે.
જનતા જોગ અપીલ : સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, શહેરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરોને સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે. શહેરમાં હાલમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે લોકોને કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે.
સિવિલમાં અલાયદો વોર્ડ તૈયાર : સિવિલ હોસ્પિટલના હેડ નર્સ સેવંતીબેન ગાવડેએ જણાવ્યું હતું કે, હિટવેવને લઈને સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. આ વોર્ડમાં 10 બેડની સુવિધા પણ છે. વેન્ટિલેટર સહિતની સુવિધા પણ અહીં છે. અહીં ડોક્ટરની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. જેને લુ લાગી હોય એવા દર્દીઓને અહીં દાખલ કરીને સારવાર આપવામાં આવશે.