સુરત : મદરેસામાં ધર્મનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ મળે છે કે કેમ? તેની તપાસ કરી મળે રહેલી સુરત જિલ્લા શિક્ષણાધિકારીની 38 જેટલી ટીમની તપાસમાં ચોંકાવનારી બાબતો સામે અનેક આવી છે. જેમાં ઉર્દુમાં લખવામાં આવેલી વિગતો તપાસ અધિકારીઓ માટે કોયડો બની છે.
મદરેસામાં મસ્જિદ મળી : આ વિગતોમાં ખાસ કરીને મદરેસામાં નિભાવવામાં આવતા રજીસ્ટ્રારમાં માત્ર વિદ્યાર્થીનાં નામ જ લખવામાં આવ્યા છે. જેમાં વાલીનો સંપર્ક નંબર અને સરનામાનો ઉલ્લેખ કરાતો ન હોવાથી હવે વિદ્યાર્થીઓને શોધવા માટે શિક્ષણ વિભાગે કવાયત શરૂ કરવી પડી છે. તપાસ દરમિયાન મદરેસામાં મસ્જિદ પણ મળી આવી છે. આ ઉપરાંત ઘણી મદરેસા મસ્જિદ કાર્યરત હોવાથી તેને શોધવામાં પણ શિક્ષણ વિભાગની ટીમને સમસ્યા નડી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
38 મદરેસાઓમાં બે સભ્યોની ટીમ દ્વારા તપાસ : અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજયનાં મુખ્ય સચિવને ફટકારવામાં આવેલી નોટીસ બાદ રાજ્યભરમાં 1128 જેટલા અને સુરત શહેર અને જિલ્લામાં નોંધાયેલા 38 મદ્રેસાઓમાં બે સભ્યોની ટીમ બનાવી સુરત જિલ્લામાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સુરતના મહત્તમ મદરેસામાં તપાસ પૂર્ણ થઈ છે.
માત્ર વિદ્યાર્થીઓનાં ટૂંકા નામની નોંધ : જો કે તપાસ કમિટીએ ઉર્દુમાં નોંધવામાં આવેલી મહત્તમ વિગતોને પગલે હેરાન થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પણ ખાસ કરીને મદરેસામાં રજીસ્ટ્રર યોગ્ય રીતે જળવાતુ ન હોઇ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓનાં ટૂંકા નામ લખવામાં આવતા હોવાથી તેમના વાલીનો સંપર્ક નંબર, તેમજ તેમની યોગ્ય રીતે ઓળખ કઈ રીતે કરવી તે પ્રશ્ન પેચીદો બન્યો છે.
ઉર્દુ ભાષાના જાણકારોની મદદ લેવામાં આવશે : જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારએ જણાવ્યું હતું કે, મદરેસામાં કરવામાં આવી રહેલી તપાસમાં વિદ્યાર્થીઓની શાળાકીય નોંધણી નંબર અને મદરેસામાંથી મળી આવેલી વિગતોનાં ક્રોસ વેરીફેકશન કરવામાં આવશે. ઉર્દુ ભાષા હોવાના કારણે ઉર્દુ ભાષાના જાણકારોની મદદ લેવામાં આવશે.