કચ્છ: પ્રગતિશીલ ખેડૂતો અવારનવાર પ્રયોગો કરીને જુદા જુદા પાક મેળવતા હોય છે ત્યારે કચ્છની કેસર કેરી તો વખણાય જ છે. પરંતુ આ વર્ષે કચ્છના ખેડૂતે એક નવી જ પ્રકારની કેરીનું સફળ ઉત્પાદન મેળવ્યું છે. વર્ષ 2020માં કરેલ વાવેતરનું સફળ ઉત્પાદન હાલમાં મળ્યું છે. ખેડૂત હરેશ ઠકકરે બદામ અને હાફુસ કેરીનું મિશ્રણ કરીને નવી જ જાતની કેરી "સોનપરી" વિકસાવી છે. જેનો સ્વાદ ખૂબ મીઠો અને રસદાર છે.
કચ્છના ખેડૂતે કેરીની નવી જાત વિકસાવી: અનેક દાયકાઓથી કચ્છની કેસર કેરીનો દબદબો રહ્યો છે અને છેલ્લા ત્રણ દાયકાથી દેશ વિદેશમાં પણ કચ્છની કેસર કેરીની બોલબાલા રહી છે. ત્યારે હવે કચ્છના ખેડૂતો તેમજ કેરીના રસિકો માટે તદ્દન નવી કેરી સામે આવી છે. જેમાં કચ્છના બાગાયતી પાકના કેરીના ઇતિહાસમાં સોનેરી સોનપરી કેરીનો ઉમેરો થયો છે. ખેતી ક્ષેત્રે વિવિધ નવતર પ્રયોગો અને પ્રાકૃતિક ખેતી માટે જાણીતા ખેડૂત હરેશ ઠક્કરે કેરીની નવી જ જાત વિકસાવી છે અને સફળ ઉત્પાદન કર્યું છે.
વર્ષ 2020માં 200 વૃક્ષો વાવ્યા હતા: ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બદામ અને હાફૂસ કેરીનું મિશ્રણ કરીને વિકસાવેલી કેરીની નવી જાત જેને 'સોનપરી' નામ આપવામાં આવ્યું છે. તેનું તેમની વાડીમાં વર્ષ 2020માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની તેમના ફાર્મની મુલાકાત સમયે અને પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા મારફતે તેમના અને તેમની પત્નીના હસ્તે 200 જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા હતા. જેમાં આજે 4 વર્ષ બાદ સફળ ઉત્પાદન થયું છે.
નવસારીની કૃષિ યુનિવર્સિટીમાથી 200 દાંડી લાવ્યા: હરેશ ઠક્કરે નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી સોનપરી કેરીની 200 દાંડી લાવ્યા હતા અને 200 વૃક્ષ વાવ્યા હતા. સોનપરી કેરી એ હાફુસ અને બદામના મિશ્રણમાંથી બનેલી કેરી છે. આ કેરીનો રંગ સોના જેવો પીળો છે. જેની છાલ અને ગોટલીનું વજન ઓછું અને પલ્પનું પ્રમાણ વધારે અને મીઠો રસદાર હોય છે. આ વૃક્ષોના પાંદડાની રચના એવી છે કે, તેમના વચ્ચેથી પવન પણ આસાનીથી પસાર થઈ જાય છે. જેથી કરીને તે અન્ય કેરીઓની જેમ પવનની અસરથી ડાળખીમાંથી ખરીને નીચે નથી પડી જતી આ કેરીઓ જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે જ ખરે છે.
વાવાઝોડા સામે પણ આ કેરીના વૃક્ષો ટકી રહ્યા: ગત વર્ષે આવેલા બિપરજોય વાવાઝોડામાં પણ અન્ય કેરી અને ખારેકના ઝાડને નુકસાની થઈ હતી અને વૃક્ષો પડી ગયા હતા. પરંતુ આ સોનપરી કેરીના વૃક્ષોને વાવાઝોડું પણ ડગાવી શક્યો ન હતો. પરંતુ શરૂઆતમાં સોનપરીના વૃક્ષો વાવતા તેનું ઝાડ વળી જતું હતું ત્યારે ખેડૂતે કચ્છની દેશી કેરી ઉપર સોનપરીનું ગ્રાફિટીંગ કર્યું હતું.
સોનપરીમાં 20થી 22 બ્રિક્સ જેટલી મીઠાશ: નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવાયેલી સોનપરીએ આલ્ફાન્ઝો એટલે કે હાફુસ અને બનેસાન એટલે કે બદામ કેરીનું મિશ્રણ છે. સોનપરી કેરીનો દેખાવ બદામ જેવો છે, સ્વાદ હાફુસનો છે અને રંગ પીળો ચમકદાર છે. સોનપરીમાં 20થી 22 બ્રિક્સ જેટલી મીઠાશ જોવા મળી છે. આમ જોવા જઈએ તો કચ્છની કેસર કેરીની મોસમ ખૂબ ટૂંકી હોય છે જૂન મહિનામાં આવે છે અને જુલાઈ સુધી જ હોય છે. જ્યારે સોનપરીની મોસમ લાંબી બની શકે છે. કારણ કે, આ કેરીને 10થી 12 દિવસ રાખી મૂકવાથી પણ તે બગડતી નથી.
અન્ય ખેડૂતોએ પોતાની વાડીમાં કર્યો પ્રયોગ: આગામી સમયમાં કચ્છની કેસર કેરીને પણ સોનપરી કેરી પાછળ મૂકીને કચ્છની સવાઇ કેસર બની શકે છે. કચ્છના નખત્રાણા ગઢશીશા વિસ્તારના ખેડૂતો પણ હરેશ પાસેથી આ સોનપરી કેરીની કલમો મેળવી છે અને પોતાના વાડી વિસ્તારમાં વાવીને પ્રયોગ કર્યો છે. જેમને આવતા વર્ષમાં ઉત્પાદન મળશે ઉપરાંત સોનપરી કેરીના વૃક્ષો પર ફળ લાગવાથી માંડીને પાકવા તેમજ લણવા સુધીની પ્રક્રિયા પણ સુરક્ષીત હોવાથી આ કેરીનું ઉત્પાદન મેળવનાર ખેડુતો લાંબા સમય સુધી આ કેરીનું વેંચાણ બજારમાં કરીને તેમાંથી સારી એવી કમાણી કરી શકશે.
કચ્છની કેસર કરીને પણ આપી શકે છે ટક્કર: જોકે આ હજુ સોનપરી કેરીનું પ્રથમ જ પ્રયોગ હતું.આ માટે હજુ મોટી માત્રામાં તેને બજારમાં પહોંચતા સમય લાગશે પરંતુ એ વાત નક્કી છે કે, જો કચ્છના અન્ય ખેડૂતો પણ આ સોનપરી કેરીનું વાવેતર કરશે અને ઉત્પાદન મેળવશે તો અન્ય કેરીઓને પણ આ સોનપરી ટક્કર આપશે.આ સાથે જ કચ્છની કેસર કેરીથી પણ ઊંચા ભાવ મળશે.