ભાવનગર: શહેરમાં આવતા શાકભાજીના ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે. ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉચકાય છે એટલું જ નહીં પણ ઉનાળામાં શાકભાજીના ભાવ કરતા પણ ચોમાસાના પ્રારંભમાં ભાવ વધુ ઊંચા જાય છે. તે પાછળનું ગણિત સમજવા જેવું છે. તો ચાલો જાણીએ કે, ભાવનગરમાં શાકભાજીના વર્તમાન ભાવ કેવી રીતે નક્કી થાય છે? શાકભાજી ક્યાંથી આવે છે? અને જિલ્લામાં વાવેતર કેટલું થાય છે? આ તમામ વિગતો વિશે.
ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયું: ભાવનગર શહેરમાં ઉનાળા અને ચોમાસાની સિઝનમાં શાકભાજીનું પ્રમાણ ઘટી જતા ભાવ ઉંચા જાય છે અને લોકોને શાકભાજી આરોગવુ મુશ્કેલ બને છે. હાલમાં ભાવનગરમાં ચોમાસાની ઋતુમાં શાકભાજીના ભાવ ઊંચકાઈ ગયા છે. ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયું છે. કઠોળ ઉપર લોકોને ઝુકાવ રાખવો પડી રહ્યો છે. તો જિલ્લામાં શાકભાજીનું કેટલું ઉત્પાદન થાય છે અને અન્ય જિલ્લા પર કેટલા નિર્ભર છીએ ચાલો જાણીએ.
ઉનાળા બાદ ચોમાસાના પ્રારંભે શાકભાજીના ભાવમાં વધારો: ભાવનગર શહેરમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ ગયો છે. ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજી વેચનાર જીતુભાઈએ જણાવતા કહ્યું હતું કે, ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી. આથી અમે જ ઓછ ઉત્પાદનમાં ખરીદી કરીયે ત્યારે વધુ ભાવ ચૂકવીએ છીએ. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ રહેશે.
ભાવનગરમાં શાકભાજી ક્યાંથી આવે છે: ભાવનગર યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવતા કહ્યું હતું કે, અત્યારે જરૂરિયાત પ્રમાણે આપણા જિલ્લામાં અમુક ગામોમાં પાણી પૂરતું નથી હોતું ઉપરાંત જે દરેક દરિયાઈ પટ્ટીમાં થોડું પાણી હોય છે ત્યાંથી શાકભાજીનું ઉત્પાદન થાય છે. છતાંય ભાવનગરમાં નડિયાદ, અમદાવાદ, આણંદ, અને બરોડાથી શાકભાજી આવે છે. અહીં બટાકા, ટમેટા, કોબી અને કોથમરી બહારથી આવે છે. જ્યારે કોબી, ફ્લાવર, તુરીયા, રીંગણાં બધું અહીંથી ઉત્પાદિત થાય છે. અહીંયા ઉત્પાદન ન થવાથી બહારથી શાકભાજી આવે છે જેને પરિણામે ચોમાસામાં હાલ થોડો સમય માટે ભાવ ઊંચકાય છે. ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે. જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે.
ખેતીવાડીમાં કેટલું નોંધાય છે શાકભાજીનું વાવેતર: ભાવનગર જિલ્લામાં મુખ્ય ખેતી કપાસ, મગફળી અને ડુંગળીની થાય છે. આમ છતાં જ્યાં પાણીની વ્યવસ્થા હોઈ ત્યાં પણ શાકભાજીનું વાવેતર થતું આવ્યું છે. ભાવનગર જિલ્લાના દરિયાઈ પટ્ટી ઉપર દરેક સીઝનમાં શાકભાજીનું વાવેતર થાય છે. તો ચાલો જાણીએ તાજેતરમાં વાવેતર કેટલું થયું છે.
તાલુકો | હેકટર |
ભાવનગર | 47 |
ગારીયાધાર | 0 |
ઘોઘા | 2 |
જેસર | 140 |
મહુવા | 49 |
પાલીતાણા | 35 |
સિહોર | 158 |
તળાજા | 224 |
ઉમરાળા | 67 |
વલભીપુર | 0 |
કુલ | 722 |
ભાવનગર જિલ્લામાં હાલ 722 હેકટરમાં શાકભાજીનું વાવેતર થયું છે જેમાં બે તાલુકા નિલ નોંધાયા છે.
તાજેતરમાં શાકભાજીનો ભાવ આસમાને છે, તો ચાલો જાણીએ શાકભાજીના ભાવ વિશે.
શાકભાજી | કિલોના ભાવ |
ગુવાર | 160 |
ભીંડો | 120 |
ફ્લાવર | 160 |
કોબી | 80 |
મરચા | 100 |
ટમેટા | 80 |
રીંગણ | 80 |
તુરિયા | 150 |
ચોળી | 160 |
કારેલા | 120 |
કોથમરી | 200 |
આદુ | 120 |
લીંબુ | 120 |