સુરત: ઉત્રાણમાં મહિલાએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડાનો પાવડર બનાવી ચાર વર્ષના પુત્રને પીવડાવી પોતે પણ વિષપાન કરી પતિને આ બાબતની જાણ કરી હતી. માતા-પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માતાનું ટૂંકી સારવારમાં મોત બાદ પુત્રએ પણ દમ તોડયો હતો. જોકે માતાના આ પગલાં પાછળના કારણ અંગે રહસ્ય ઘેરાયું છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ ઉત્રાણ ખાતે ગ્રીન પ્લાઝાની બાજુમાં રોયલ હિલ્સમાં રહેતા રવિભાઈ ધામંત હીરા-દલાલી કરીને ૨૬ વર્ષીય પત્ની પાયલ અને ચાર વર્ષના પુત્ર માહિર સાથે રહેતા હતા. પાયલ દેરાણીની તબિયત સારી ન હોવાથી સાસુમાને તેણીના ઘરે મૂકીને પરત આવી હતી. પાયલે ઘરે આવીને ચાર વર્ષના પુત્ર માહિરને અનાજમાં નાખવાના ઝેરી ટીકડાનો પાવડર બનાવી પીવડાવ્યા બાદ પોતે પણ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા. પાયલે પતિને ફોન કરી બનાવને લઇને જાણ કરી હતી. રવિ ધામંત તેની પત્ની અને પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇને આવતા સાંજે પત્નીનું મોત થયું હતું. પુત્રનું મોડીરાત્રે મોત થયું હતું. બનાવ અંગે ઉત્રાણ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે આપઘાતના એક કલાક પહેલા પાયલે પોતાની માતા અને ભાઈ સાથે મોબાઈલમાં વીડિયો કોલ પર વાત કરી હતી. આ શું વાત હતી એ અંગે પોલીસે હજી કોઈ ખુલાસો કર્યો ન હોવાથી આપઘાતના આ બનાવ પાછળ રહસ્ય સર્જાયું હતું.