સુરત: રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. જેનાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી આકરી ગરમીમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આજ રોજ રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ઉમરપાડા તાલુકાની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકાના પિનપુર, ચોખવાડા, કેવડી, ચવડા, જૂના ઉમરપાડા સહિતના ગામડાઓમાં વરસેલા વરસાદને લઈને આકાશી ખેતી કરતા ખેડૂતો સહિત સૌ કોઈમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ઉલ્લખનિય છે કે, સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચારેય બાજુ જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં પડે છે. આ ઉમરપાડા તાલુકાને સુરત જિલ્લાનું મિની ચેરાપુંજી પણ ગણવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં અહી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે.
ઉમરપાડા તાલુકાના ખેડૂત આગેવાન હિરિશ ભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજ રોજ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. જેને લઇને સૌ કોઈમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.