બારડોલી: લોકસભાની ચૂંટણીને લઇને ફરી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ફરી એકવાર રાજકીય પક્ષો ધીમે ધીમે એકપછી એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ ગુજરાતના 15 જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. સુરત જિલ્લાની બારડોલી લોકસભા બેઠક પર ફરી પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.
પ્રભુ વસાવાએ કામરેજ ગામના ઉમા મંગળ હોલ ખાતે તાલુકા ભાજપના કાર્યકરો સાથે એક અગત્યની બેઠક યોજી હતી. કાર્યકરોને લોકસભાની ચૂંટણીને લઇને કામે લાગી જવા આહવાન કર્યું હતું. AAP અને કોંગ્રેસના ગઠબંધનને લઇને મીડિયા સાથેની વાતચીતમાં પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે આખા દેશમાં વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા નીકળ્યા છે, ત્યારે આ સમયે દેશના રાજા પ્રમાણિક રીતે કામ કરે એ સાબિત થાય છે અને આવા ગઠબંધનથી કોઈ ફર્ક પડવાનો નથી તેવું જણાવ્યું હતું.
ફરી પ્રભુ વસાવાને ટિકિટ : બારડોલી લોકસભા બેઠક પરથી પ્રભુ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મોડી સાંજે લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ બે ટર્મથી બારડોલી બેઠક પર સાંસદ છે. તેમણે મિકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો છે.
તુષાર ચૌધરીને હરાવ્યાં હતાં : પ્રભુ વસાવા 2007માં સોનગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૂંટાયા હતા. નવા સીમાંકન બાદ સોનગઢ બેઠક નાબૂદ થઈને નવી માંડવી બેઠક અસ્તિત્વમાં આવતા 2012માં તેઓ માંડવી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં. આ સમયગાળા દરમ્યાન તેઓ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત હતાં. પરંતુ 2014ની લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. જેમાં તેમને લોટરી લાગી હોય તેમ ભાજપે બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતાં અને તેમણે આ ચૂંટણીમાં 124895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતાં. બાદમાં વર્ષ 2019માં વધુ લીડ એટ્લે કે 215974 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતાં. બે ટર્મ દરમ્યાન કોઈ પણ જાતના વિવાદ વગર કામ કરવા બદલ તેમની પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.