તાપી: જિલ્લામાં મોદી રાત્રે પડેલો વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધોધમાર વરસાદને પગલે જિલ્લાના મીંઢોળા, વાલ્મિકી, અંબિકા જેવી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને લઇ નદી કિનારાના ગામોમાં રહેતા લોકના ઘર સુધી પાણી ભરાય જતા લોકોને SDRF ની ટીમ દ્વારા સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ઘરમાં પાણી ભરાય જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે, સરકાર તેમને સહાય કરે અને યોગ્ય વળતર ચુકવે.
ઠેર ઠેર પૂરની સ્થિતિ: તાપી જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદે તાંડવ મચાવ્યો છે. જિલ્લામાં આવેલ અંબાચ, ડોલવણ, વાલોડ જેવા તાલુકાઓમાં પૂરની સ્થિતિ સર્જાય હતી. જેને લઇ વાલોડ વાલ્મીકિ નદીના કિનારાના વિસ્તારમાં પાણી એ પગ પેસારો કર્યો હતો. જેને પગલે એસડીઆરએફની ટીમ અને વ્યારા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ગરકાવ થયેલા ગામોના લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પશુઓ પાણીમાં તણાયા: જિલ્લામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા જિલ્લાના અનેક વિસ્તારના લોકોને ઘરવખરીનું ભારે નુક્સાન થયું છે. 2 જેટલી ભેંસો પણ પાણીમાં તણાય જતા વાલોડના પરિવારને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.