તાપી: હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરી રસિયાઓની સાથે કેરીના ખેત ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને કેરીના પાક વિશે વિશેષ માહિતી મળી રહે તે ઉદ્દેશની સાથે સાથે કેરી પકવતા ખેડૂતો પોતે પકવેલ કેરીની વિવિધ જાતો, ગુણવત્તા, ઉત્પાદન વગેરેને લઈ એક કેરી હરિફાઈનું પણ આયોજન કરી કેરી પકવતા ખેડૂતોનો ઉત્સાહ વધે તેવું આયોજન તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના કેરી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન મેળવવાની સાથે સાથે કેરીની વિવિધ જાતો અને તેની ખેતી અંગેનું ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને ઉત્કૃષ્ટ ખેડૂતો પાસે માર્ગદર્શન મેળવ્યું હતું.
કેવિકેના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આંબાની પ્રચલિત જાતોના વિસ્તાર વધારવા તેમજ આંબાની નવીન જાતો વિશે અવગત થઇ વાવેતર કરવાં ખેડૂતોને આહવાન કર્યુ હતુ. સાથે સાથે હલકા ધાન્યપાકોના માનવ આરોગ્ય માટેના ફાયદાઓ વિશે સમજણ આપી હતી. સાથે સાથે આંબા પાકમાં સરકારી યોજનાઓ વિશે સમજાવી આંબા પાકની નવીન જાતોના વાવેતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. કાર્યક્રમ દરમ્યાન ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતુ. તેમજ ખેડૂતોએ કેરીની જુદી જુદી જાતોનું પ્રદર્શન નિહાળ્યુ હતું.
નવસારી કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. નિકુલસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે, તાપી જિલ્લામાં 6 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનુ વાવેતર થાય તે પૈકી 80 થી 100 જેટલા આંબાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયાબ બાગાયત નિયામકને અહી બોલાવવામાં આવ્યા છે. આનંદની વાત એ છે કે, નવસારી અને વલસાડ જિલ્લામાં કેરીની ખેતી થાય છે એવું કહેતા હતા પરંતુ આજે લગભગ 45 જાતની કેરીનું વાવેતર તાપી જિલ્લામાં થાય છે. જે આપને જોયું અને 50 જેટલા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધો છે, જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે. દુનિયામાં કેરીના ઉત્પાદનમાં, એક્સપોર્ટમાં હુંડ્યમણ કમાવવામાં આપણે પહેલા નંબર પર છીએ. દુનિયામાં લગભગ 58 ટકા જેટલું કેરીનું એક્સપોર્ટ ભારતમાંથી થાય છે.