સુરત: મૂળ કામરેજ તાલુકાનાં હલધરું ગામના ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ40) તથા તેમની પત્ની રમિલાબેન ઉમેશભાઈ રાઠોડ (ઉ.વ.34) પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ ક્રિષ્ના વેલી સોસાયટી પાસે ગાંગપુરના ભિખાભાઈ છગનભાઈ પટેલના સર્વે નંબર 330/A વાળા ખેતરની રખેવાળી કરતાં હતા. બુધવારે સવારે ખેતરમાંથી બંનેના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો.
ઘટના બાદ સાથે રહેતા ભાણેજ અને તેની પત્ની ગાયબ: આ ઘટના અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી પલસાણા તેમજ સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ કામે લાગી ગઈ હતી. તે દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક દંપતીનો ભાણેજ વિજય ઉર્ફે લાલુ રાઠોડ તેની પત્ની સાથે ખેતરમાં મજૂરી માટે આવતો હતો. ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. ઘટના બાદથી બંને ગાયબ હતા અને તેમના મોબાઇલ ફોન પણ બંધ હતા.
બારડોલીના પથરાડીયાથી બંને પકડાયા: પોલીસે ટીમ વર્કથી ઓપરેશન હાથ ધરતા બારડોલી તાલુકાના પથરાડિયા ગામની હદમાંથી શકમંદ વિજય ઉર્ફે લાલુ બાલુભાઈ રાઠોડ (ઉ.વ.28) અને તેની પત્ની શિલ્પા ઉર્ફે કોલી વિજય રાઠોડ (ઉ.વ.30, બંને હાલ રહે. ખાડી ફળિયું, બલેશ્વર, સોહેલભાઈના ખેતરમાં તા. પલસાણા, જી.સુરત અને મૂળ રહે. મોરથાણા, તા. કામરેજ, જી.સુરત)ને શોધી કાઢી તેમની ધરપકડ કરી હતી.
મજૂરીના ઓછા રૂપિયા આપતા કરી હત્યા: બંનેની ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મૃતક પતિ-પત્ની તેના સગા મામા-મામી થાય છે, તેમણે ખેતરમાં સાથે કામ કર્યું હતું પરંતુ તેઓ તેના રૂપિયા ઓછા આપ્યા હતા. આ ઉપરાંત મૃતક ઉમેશ રાઠોડ આરોપીની પત્ની શીલા ઉર્ફે કોળીને ખરાબ નજરથી જોતો હોય તે બાબતે બંને વચ્ચે ઝઘડા થયા હતા.
ઊંઘમાં મોતને ઘાત ઉતાર્યા: આથી રાત્રિના સમયે ઉમેશ અને તેની પત્ની રમીલા ઊંઘી ગયા બાદ વિજય અને શીલાએ બંનેને લોખંડના પાઇપ તથા ઈંટના બ્લોકથી માથામાં વાર કરી બંનેને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે લોખંડનો પાઇપ અને ઈંટનો બ્લોક જે જગ્યાએ છુપાવ્યું હતું તે જગ્યાએથી પરત મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
આ અંગે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે પોલીસે કુલ દસ ટીમ બનાવી ગુનાને ઉકેલવા માટેના પ્રયાસો કર્યા હતા. અંતે મૃતકના ભાણેજ અને ભાણેજ વહુએ જ મજૂરીના ઓછા પૈસા મળતા હત્યા કરી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.