સાબરકાંઠા: નવા વાયરસને લઈને સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરા નામનો નવો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્ષ 1965માં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આ વાયરસના કેસો જોવા મળ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અને સાબરકાંઠા ના ખેડબ્રહ્મા માં એક વ્યક્તિનું મોત જ્યારે અરવલ્લીમાં બે લોકોના મોત થયા છે. અન્ય પાંચ લોકોના રીપોર્ટ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આજે ઉચ્ચ સ્થરે આ વાઈરસ અંગે મિટિંગ યોજાઇ શકે છે.
આ વાયરસના કેવી રીતે ફેલાય છે?: ખૂબ જ નાની એવી સફેદ માખી દ્વારા આ વાયરસનો ફેલાવો થાય છે. જે જગ્યા પર કાચા મકાનો હોય છે અને ઘરમાં લીપણ કરેલું હોય છે ત્યાં તિરાડોમાં ચાંદીપુરા વાયરસનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે. ચાંદીપુરા વાયરસ ખૂબ જ જીવલેણ સાબિત થાય છે. આ વાયરસનો ભોગ બનેળ મોટાભાગમાં કેસોમાં દર્દી ઓછામાં ઓછા 8 થી 10 કલાકમાં મૃત્યુ પામે છે. ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે. આ ઉપરાંત 10 વર્ષથી નીચેના બાળકોમાં આ રોગ પ્રવેશતો જોવા મળે છે. આ કેસમાં ત્રણ ડિગ્રી સુધીનો તાવ રહે છે અને વ્યક્તિની સઘન સારવાર થાય તે પહેલા જ તે જીવલેણ બની શકે છે. આ વાઇરસ સ્વાઇન ફ્લૂના રોગ કરતાં અનેક ગણો ઘાતક અને ખતરનાક છે તેથી તેની પ્રત્યેક પરિવારે તકેદારી રાખવી જોઇએ.
ચાંદીપુરા વાયરસમાં શું થાય ? ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.
કેવી રીતે ઓછો કરવો આ વાયરસનો ફેલાવો: મળતી માહિતી મુજબ, આજથી 14 વર્ષ પહેલા ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે 17 લોકોનો જીવ લીધો હતો. આ વાઇરલ એન્સે ફિલાઇટીસ નામનો તાવ સેન્ડફ્લાયના કારણે આવે છે. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ.