નવસારી: જિલ્લામાં આવેલા ચીખલી અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો સમયાંતરે કેમેરામાં કેદ થતા હોય છે. હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર હોય, પરંતુ પાણી અને ખોરાકના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓ નવસારીના પૂર્વ પટ્ટીના વિસ્તારો વાંસદા અને ચીખલી જેવા વિસ્તારો તેઓને માફક આવી રહ્યા છે.
દીપડાઓ અને મનુષ્યનો આમનો સામનો: આ વિસ્તાર પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે, અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયો છે. તો બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓના રખડતાં શ્વાન તેમ જ પાણી જેવી જરૂરિયાતો અહીંથી ઉપલબ્ધ થતાં દીપડાઓ નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. પરિણામે દીપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે. જેમાં દીપડાઓ મનુષ્ય પર હુમલા કર્યા હોય તેવા કિસ્સાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે.
ઘાયલ દીપડો વન વિભાગના પાંજરે પુરાયો નથી: ગત સપ્તાહમાં પણ નવસારી શહેરને અડીને આવેલા નસીલપુર ગામે દીપડો રોડ ઓળંગતો હતો તે દરમિયાન તેનું અકસ્માત થતાં તે ઘાયલ થયો હતો જેને જોવા માટે લોક ટોળું ભેગું થયું હતું. આ દરમિયાન દીપડાએ ઘાયલ હોવા છતાં પણ હુમલો કર્યો હતો અને લોકોએ ત્યાંથી જાન બચાવીને ભાગવું પડ્યું હતું. જેમાં એક યુવતી ઘાયલ થતાં તેને હોસ્પિટલ અર્થે સારવાર માટે મોકલવામાં આવી હતી. હાલ પણ ઘાયલ દીપડો વન વિભાગના પાંજરે પુરાયો નથી જેને લઈને ગામમાં ભયનો માહોલ છવાયો છે.
બાળકીનું ઓપરેશન કરવાની ફરજ પડી: હવે વાંસદા તાલુકાના વાલઝર ગામેથી પણ દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં દીપડાએ બે દિવસ અગાઉ સાંજના સમયે ઘર આંગણે રમી રહેલી બાળકીને ગળામાંથી દબોચીને તેનો શિકાર કર્યો હતો, પરંતુ પરિવારના હોહાપાથી દિપડો બાળકીને છોડી ભાગી છૂટ્યો હતો. ઘાયલ બાળકીને સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીના ગળામાં ગંભીર ઇજાના કારણે 22 ટાંકા લેવા પડ્યા હતા. ત્યારબાદ પણ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેને વેન્ટિલેટર પર મૂકવાની નોબત આવી હતી.તેથી બાળકીને તાત્કાલિક સુરત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીને ગળા તેમજ કાન, નાક, નસોને ગંભીર ઈજા થતાં તેણીનું ઓપરેશન કરવાની ફરજ પડી હતી.
દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા: ઘટનાની ગંભીરતાને જોઈને વાંસદા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક વાલઝર ગામે પહોંચી સમગ્ર ઘટનાનો તાજ મેળવ્યો હતો. ત્યારબાદ દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. જ્યારે રેન્જ ફોરેસ્ટર ચેતન પટેલે હોસ્પિટલ પહોંચી બાળકીની સ્વાસ્થ્યની માહિતી લઇ પરિવારને તમામ મદદ માટેની હૈયા ધરપત આપી હતી.
દીપડાની પૂંછડીમાં ચીપ લગાવવામાં આવતી હોય છે: ગતરોજ ચીખલીના સુરખાએ ગામે ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહેલા વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલને દીપડાઓના હુમલા વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દીપડાઓ માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આવી જતા હોવાથી વન વિભાગને દીપડાને પકડવા માટેના વધુ પાંજરાઓ આપવાની તૈયારી દર્શાવી હતી. સાથે દીપડાઓને જંગલમાં જ તેમનો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.' ઉપરાંત દીપડાઓને ટ્રેસ કરવા માટે તેમને પકડ્યા બાદ તેમની પૂંછડીમાં ચીપ લગાવવામાં આવતી હોય છે તેથી દીપડો પકડાય ત્યારે ખબર પડે કે પૂર્વ તે પકડાઈ ચૂક્યો છે કે કેમ. આ સાથે જ સામાજિક વનીકરણ વિભાગમાં સ્ટાફ લેવાની તેમજ વન વિભાગની જરૂરી સાધનો આપવા પણ તેમણે તૈયારી દર્શાવી હતી.
આ પણ વાંચો: