સુરત: જિલ્લામાં જાણે હવે તસ્કરોને પોલીસનો ખૌફ જ ન હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરો એકપછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. રાત્રિ બાદ હવે તસ્કરોએ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપવાનું શરૂ કરી દીધું છે. ઓલપાડ તાલુકાના કીમ ગામના પૂર્વ વિસ્તારમાં આવેલ ચિરાગ રેસીડેન્સીમાં રહેતા રતન ભાઈ ગુર્જર જેઓ પોતાના ઘરને તાળું મારી બહાર કચરો નાખવા ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ઘરના ઉપરના માળે પ્રવેશ્યા હતા અને ઘર માલિક રતન ભાઈ ગુર્જરના જણાવ્યું મુજબ તીજોરીમાં રહેલ 6 લાખ રોકડાની ચોરી કરી ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા.
ઘર માલિક પરત આવતા ઘરમાં બધું વેર વિખેર હાલતમાં હતું
કચરો નાખી ઘરે પરત આવેલ ઘર માલિકે ઘરમાં જોતાં તેઓ ચોંકી ગયા હતા. ઘરમાં વધુ વેર વિખેર હાલતમાં નજરે ચડ્યું હતું. તેઓએ તુરત પાડોશીઓને ઘટના વિશે જાણ કરતા લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા અને સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને કરવામાં આવતા કિમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.ઘર માલિક રતન ગુર્જરનું નિવેદન લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
કીમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલાએ જણાવ્યું હતું કે બનેલ ચોરીની ઘટનાને લઈને અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ છે. ઘર માલિક સહિત પરિવારોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી તસ્કરોને ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત 4 જાન્યુઆરીની મોડી રાત્રે ઇકો કાર લઈને આવેલા અજાણ્યા લુટારુઓએ એક બેંકના રિટાયર્ડ વૃદ્ધ મહિલાને પોતાના ઘરમાં બંધક બનાવી સોના ચાંદીના દાગીના ચોરી કરી ભાગી ગયા હતા. ઘટનાને દોઢ મહિના જેટલો સમય વીત્યો છતાં સુરત જિલ્લા એલસીબી કિમ પોલીસનો લુંટારૂઓને પકડવામાં પણો ટુંકો પડી રહ્યો છે.