સુરત: કહેવત છે પહેલો સગો પાડોશી, પણ આ કહેવત સુરત જિલ્લામાં કઈક ઊંધી સાબિત થઈ છે. અહીંયા પાડોશીના કારણે જ એક પરિવારનો માળો વિખાઈ ગયો છે અને એક 31 વર્ષીય પરણીતાએ મોતની વાટ પકડી લીધી છે. વાત જાણે એમ છે કે, સુરતના કામરેજ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારે નવું મકાન લીધું હતું અને તેઓને આર્થિક પ્રોબ્લેમ આવતા તેઓએ પોતાના પાડોશીની મદદ લીધી હતી.પણ તેઓને ક્યાં ખબર હતી કે, આ પાડોશી જ એક દિવસ તેઓના ઘરનો માળો વિખવામાં નિમિત્ત બનશે. મકાન ખરીદવા માટે રૂપિયા બે લાખ આપ્યા હતા. જેને લઇને થોડા દિવસ વીત્યા બાદ આ મદદનો ગેરલાભ ઉઠાવવા 60 વર્ષીય જીતેન્દ્ર જાની આર્થિક મદદ લેનાર પરિવારની 31 વર્ષીય પરિણીતા પાસે ગયો અને કહ્યું ' હું તને પ્રેમ કરું છું, જેથી તું મારી સાથે શરીર સંબંધ રાખ. જો તું નહિ રાખે તો તારે રૂપિયા પરત આપવા પડશે અને તને બદનામ કરી દઈશ અને મારા કહ્યા પ્રમાણે નહિ કરે તો તને જોઈ લઈશ ' આવી ધમકીઓ આપી અવાર નવાર પરિણીતાના ઘરે, હોટલોમાં લઇ જઇ પરિણીતાની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધતો રહ્યો. આખરે હવસખોર આધેડના ત્રાસની પરણિત મહિલાએ ઝેરી દવા પી લીધી હતી.
પરણીતાએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારને થતા તેઓને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટુંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે કામરેજ પોલીસે મૃતક પરિણીતાના પતિની ફરિયાદના આધારે હવસખોર જીતેન્દ્ર કુમાર જાની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ગણતરીની કલાકોમાં જ દબોચી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.