જામનગર: જામનગરમાં ઓસવડ સેન્ટર ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયા માટે જનસભાનું આયોજન કર્યું હતું. આ વિધાનસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાથે સાથે સ્થાનિક ઉમેદવાર પૂનમ માડમને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યુ કે, કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયા જનતાના પૈસાથી ચૂંટણી લડે છે,જ્યારે સામે કંપનીના પૈસાથી ચૂંટણી લડનારા ઉમેદવાર છે.
જિગ્નેશ મેવાણી જામનગર પહોંચ્યા: લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા બાદ હવે ત્રીજા તબક્કામાં ગુજરાતની બાકી રહેલી 25 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયાના ચૂંટણી પ્રચાર માટે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જામનગર પહોંચ્યા હતા.
જામનગરમાં ભાજપની આ વખતે 'પૂનમ' નથી અમાસ છે: મેવાણીએ ભાજપ અને જામનગર ભાજપના ઉમેદવાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જામનગરમાં ભાજપની આ વખતે 'પૂનમ' નથી અમાસ છે. સાથે કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર જનતાના ફાળાના પૈસે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સામે કંપનીના પૈસાથી ચૂંટણી લડનારા ઉમેદવાર છે.
એક તરફ કંપનીના ઉમેદવાર, બીજી તરફ ભાજપ સામાન્ય નાગરિકોનું શોષણ કરી રહી છે અને જમીનો પચાવી પાડી છે: જીગ્નેશ મેવાણી