ખેડા: ડાકોર ખાતે ફાગણી પૂનમની ધામધુમપુર્વક ઉજવણી ચાલી રહી છે. વર્ષોથી ફાગણી પૂનમે યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં આવતા પગપાળા ભક્તો વહેલી સવારની મંગળા આરતીના દર્શન કરવા પહોંચ્યા હતા. ડાકોર ખાતે આજે ફાગણી પુનમ નિમિત્તે મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા.
મંદિર પરિસરમાં રંગની છોળો ઉડી: સવારે 4.00 વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમ્યાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજ્જારો ભક્તોએ મંદિરમાં ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળો ઉડાડી હતી. 9-00 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. જે બાદ ભગવાને ફુલડોલમાં બિરાજમાન થઈ સોના ચાંદીની પિચકારીથી ભાવિકો સાથે હોળી ખેલી હતી. રણછોડરાયજી મંદિર સહિત સમગ્ર શહેર રણછોડમય બન્યું હતું અને જય રણછોડ માખણ ચોરનો નાદ ચોતરફ ગુંજી ઉઠ્યો હતો.
મંદિરમાં પૂજા વિધિ કરાઈ: વહેલી સવારે રાજા રણછોડરાયની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષોથી ચાલી આવતા પરંપરા જાળવી રાખી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ તથા ધજા ચઢાવવામાં આવી હતી. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી બ્રીજેશકુમાર ઝાએ ડાકોર ફાગણી પૂનમ નિમિત્તે પૂજા અર્ચના કરી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મંદિરના પૂજારી જનક મહારાજે જણાવ્યુ હતું કે મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન સાથે હોળી રમવા આવતા હોય છે. અબીલ ગુલાલ ઉડાડે છે. સવારથી સાંજ સુધી રણછોડરાયજી ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે.ભોગ લગાવાય છે. વિવિધ રંગોથી ભગવાન ભાવિકો સાથે ધુળેટી રમે છે. અમે સેવકો પણ ભગવાનને ધુળેટી રમાડીએ છીએ. બધા જય રણછોડ જય રણછોડ બોલતા જાય છે અને ભગવાનને રંગ નાંખતા જાય છે.