દાહોદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગવડ ખાતે ઉપસ્થિત રહીને દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ ૩૧૪ કરોડના વિકાસકાર્યોના વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ પહેલા દાહોદ જિલ્લા કોંગ્રેસના ૪૦૦થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની સિંગ વડ તાલુકાના દાસા ગામે સભાને સંબોધન કર્યું હતું
વિકાસના જે કર્યો આપણે જોઈ રહ્યા છીએ તેનો મજબૂત પાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતને ૧.૧૦ લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ પ્રધાનમંત્રીએ આપી છે. અને તે જ પગલે ચાલીને ડબલ એન્જિનની સરકારે ગયા અઠવાડિયામાં ૬૭૦૦ કરોડથી વધારે વિકાસકાર્યોની ભેટ જનતાને આપી છે. દાહોદમાં ૨૦ હજાર કરોડના ખર્ચે રેલવેના ઇલેક્ટ્રીક એન્જિન બનાવવાના પ્લાન્ટથી સ્થાનિક યુવાનોને રોજગારી મળે તેવી વ્યવસ્થા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. બે દાયકા પહેલા ગુજરાતનું બજેટ ૧૦-૧૫ હજાર કરોડ રૂપિયાનું હતું, આજે રૂ. 32.30 લાખ કરોડનું બજેટ છે. - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
લોકોને ઘરે બેઠા જ સરકારી યોજનાઓનો લાભ: મુખ્યમંત્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, ૨ દાયકા પહેલા સરકારી યોજનાઓ અને તેના લાભો વિશે કોઈને ખબર ન્હોતી પડતી, પરંતુ હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીના ગેરંટી રથ થકી લોકોને ઘરે બેઠા જ સરકારી યોજનાઓનો લાભ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાંચ વર્ષમાં દાહોદ જિલ્લાને ૧.૧૦ લાખ મકાનો મળ્યા છે. પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ આ જિલ્લામાં ચાર હજારથી વધારે ફેરિયાઓને લોન સહાય મળી છે. ૨.૪૪ લાખ ગેસ કનેક્શન થકી દાહોદની મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી છે. અને આજે જિલ્લાના ૧૨ લાખથી વધારે ગરીબોના બેંક ખાતા છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના અંતર્ગત દાહોદમાં ૧૪.૭૭ લાખથી વધારે લોકો પાસે રૂ. ૧૦ લાખનું આરોગ્ય કવચ છે.