છોટાઉદેપુર: છોટાઉદેપુર 90 ટકા% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળી પર્વનું છે. હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે.
આદિવાસી સમાજની તડપદી બોલીમાં કહેવત છે કે,
"દિવાળી તો અઠ્ઠે કઠ્ઠે પણ હોરી તો ઘોર જ"
છોટાઉદેપુર ખાતે જિલ્લાનો સૌથી મોટો ભંગોરિયાનો હાટ ભરાયો હતો. હોળીનો તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં ભરતા અઠવાડિક હાટ બજાર ભરાય છે તેને ભંગોરિયાનો હાટ કહેવાય છે. જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા જેમ કે કપડાં, બુટ ચપ્પલ, મસાલા, વાસણ, અનાજ કરીયાણુ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે. જેમાં અંદાજીત 7 હજારથી વધુ આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
રામઢોલ, પાવા, કરતાલો, ત્રાંસા સાથે એકજ જેવા પહેરવેશમાં જુદા જુદા રંગના વસ્ત્રો અને અલંકારો પહેરી નૃત્ય મંડળીઓ ઉમટી પડી હતી. છોટાઉદેપુરના અંબાલા હરપાલપુરા, મલાજા, મોર્યા ગામ, ચીલીયાવાટ, ગાંઠિયા, ચઠ્ઠાવાડા, સામરા, નાલેજ સહિતના ગામોમાંથી ગામની ટુકડીઓ અલગ અલગ પહેરવેશમાં આવી હતી. અને નાચગાન કરી ઉમંગ ઉત્સાહ સાથે ભંગોરિયાનો આનંદ માણ્યો હતો. વર્ષો જૂની પરંપરા મુજબ એક જ પહેરવેશમાં સજ્જ થઈ આદિવાસી યુવાનોએ નાચગાન કરી આજે પણ આદિવાસી સમાજનો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે.
છોટાઉદેપુર વિસ્તારમાં અંદાજે આ મેળો ભરાતા 105 વર્ષ થઈ ગયા છે છતાં હજુપણ ભાંગોરીયાના મેળામાં આદિવાસીઓને ભારે ઉત્સાહ હોય છે. હોળીનો પર્વે આદિવાસીઓ તમામ કામ છોડીને સૌ હોળીમાં એક બીજાને ઘરે જઈ ખાણી પીણીનો આનંદ મનાવે છે. આદિવાસી પંથકમાં ભરતા મેળાઓમાં અને તહેવારોમાં આદિવાસી યુવક યુવતીઓ બાળકો તથા વૃધો સૌ ભારે ઉમંગ ઉત્સાહ અને આનંદથી હોળીના મેળાઓનો તથા તહેવારનો આનંદ માણે છે તથા હોળી માતાને અડદના ઢેબરાં તથા પાપડનો ભોગ ધરાવી પોતે પણ લિજ્જત માણે છે.
હોળી પૂર્વે કેમ ભરાય છે ભંગોરિયા મેળા?
ભગોર રિયાસતથી શરૂ થયેલા ભંગુરીયા હાટથી પ્રેરાઇને આસપાસના અન્ય ભીલ રાજાઓએ પણ પોત પોતાની રિયાસતમાં ભંગોરિયા હાટ શરૂ કર્યા હોવાનું મનાય છે.
છોટાઉદેપુર જિલ્લો એ પૂર્વપટ્ટીનો આદિવાસીબહુલ જિલ્લો છે. એક તરફ મહારાષ્ટ્ર અને બીજી તરફ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો સાચવીને બેઠો છે. અહીંના આદિવાસી સમાજની ઉત્સવપ્રિયતા જગજાહેર છે. અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો ઉત્સવ છે. છોટાઉદેપુર જિલ્લામાં અને જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશમાં હોળીના એક સપ્તાહ અગાઉ ભરાતા ભોંગર્યા હાટમાં અહીંના આદિવાસી સમાજની વિશિષ્ટ સામાજીક અને સાંસ્કૃતિક વિરાસતના દર્શન થાય છે.
ભંગોરિયા હાટની શરૂઆત કઇ રીતે થઇ એ અંગે જુદા જુદા મત મતાંતરો પ્રવર્તે છે. પરંતુ લોકમુખે ચર્ચાતી વાતો મુજબ મધ્યપ્રદેશમાં ભીલ રાજાની ભગોર નામની પ્રસિદ્ધ રિયાસત હતી. સૌપ્રથમ ભગોર રિયાસતના કુસુમોર ડામોર નામના ભીલ રાજાએ તેના રાજયમાં ભીલ સમુદાય માટે ભોંગર્યા હાટની શરૂઆત કરી હતી. સમયાંતરે હોળીના એક સપ્તાહ અગાઉ યોજાતા આ વિશિષ્ટ હાટને ભોંગર્યા હાટ તરીકે ઓળખવામાં આવે છે. આ ભગોર રિયાસત વર્તમાન સમયમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક નાનકડા ગામ ભગોરમાં તબદીલ થઇ ગઇ છે.
જે તે સમયે આદિવાસી સમાજ પાસે ન હતા પૈસા કે ન હતા મોટા મોટા બજારો. રાજાએ પોતાના આદિવાસી સમુદાયને એક જગ્યાએ એકત્રિત કરી એક હાટની વ્યવસ્થા વિકસિત કરી જેથી આ હાટમાંથી આદિવાસી સમુદાય પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓનો વિનિમય કરી શકે. આ જ જગ્યાએ હોળીના ઉત્સવ નિમિત્તે આદિવાસી સમુદાય એકત્રિત થઇ પોતાની આવશ્યકતા અનુસારની સુખ સગવડતાની ચીજવસ્તુઓના આદાન પ્રદાન થકી પોતાની જરૂરિયાતોને પુરી કરતા હતા.