ભાવનગર: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો ખર્ચવા છતાં ઢોર સમસ્યા યથાવત છે. લોકોના ટેક્સના પૈસાથી લોકોની સમસ્યા હલ થતી નથી.પરંતુ વર્ષે કરોડો ખર્ચવાની જરૂર ઉભી થઇ જાય છે. ભાવનગરના રસ્તાઓ જાણે ઢોરવાડો હોય તેમ લાગે છે. શહેરમાં 27 વર્ષથી સત્તામાં બેઠેલું ભાજપ ઢોર સમસ્યા હલ કરવામાં નાપાસ થયું છે.
શહેરમાં ચોમાસામાં ઠેર ઠેર રસ્તો ઢોરવાડામાં ફેરવાયો: ભાવનગરમાં ચોમાસુ આવતા રસ્તો છે કે ઢોરવાડો નક્કી કરવું મુશ્કેલ બને છે. રસ્તા પર નિકળનારા રાહદારી ઢોરનો ભોગ બનવાનો ભય લઈને નીકળે છે. ભાવનગરના નાગરીક ધર્મેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હું એક નાગરિક તરીકે એવું કહીશ કે જે વિસ્તારમાં જવાબદાર માણસો રહે છે, જજના બંગલાઓએ છે, હોસ્પિટલો છે, જાહેર રસ્તાઓ છે ત્યાં જો આટલા બધા ઢોર રહે છે. જેની અંદર માણસને ચાલીને નીકળવું હોય તો મુશ્કેલ છે.
આવી સ્થિતિ હોવા છતાં પણ મહાનગરપાલિકા દબાણ હટાવે છે પરંતુ આ ઢોર નથી હટાવતી, કારણ કે એમને એમ લાગે છે કે અધિકારીઓમાં પણ ઢોર પણું આવી ગયું લાગે છે. ઢોર હટાવવા જોઈએ તેના માલીક હોઈ એની સામે કાર્યવાહી કરવી જોઈએ. અહીંયા બસ સ્ટેન્ડ આવેલું છે, શાળાઓ આવેલી છે અને જ્યાંથી દિવસમાં બે વાર જજ સાહેબ નીકળે છે અને આ અંગે જાણે પણ છે, કોર્પોરેટરને ખબર નથી કે એના વોર્ડની શુ સમસ્યાઓ છે. તેમનું કહેવું છે કે આવા કોર્પોરેટરને ચૂંટાવું ના જોઈએ.
વિરોધ પક્ષનો વાર "આંધળા બેરા": ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવે છે ત્યારે વિરોધપક્ષના દંડક જીતુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમે વારંવાર સામાન્ય સભામાં આ મુદ્દા ઉઠાવ્યા છે. ઢોરનો નિભાવ ખર્ચ વધારવામાં આવ્યો છે. ઢોરના ડબ્બા વધારવામાં આવ્યા છે પણ આજની તારીખમાં કાંઈ ફેર પડ્યો નથી. ભાવનગર શહેરના સમગ્ર નાગરીકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અનેક મૃત્યુ પામ્યા છે. ઢોરના ત્રાસ એટલા બધા છે કે રાહદારીઓને અચાનક ગાયો શીંગડા મારી દે અને ઘણા બધા મૃત્યુ પણ થવામાં આવ્યા છે. આ બધી રજૂઆત અમે સાધારણ સભામાં જોર શોર થી કરેલી છે પણ આ આંધળા બેરા શાસકો આ વાતની કોઈ નોંધ લેતા નથી.
શાસકોની એક ગાણું "કાર્યવાહી શરૂ છે" તો રસ્તા પર ઢોર કેમ?: ભાવનગરમાં છેલ્લા 27 વર્ષના શાસનમાં બારેમાસ ઢોર સમસ્યા હોવા છતાં શાસકોનો એક જ જવાબ હોઈ છે. કે કાર્યવાહી શરૂ છે. ત્યારે મેયર ભરતભાઇ બારડએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ છે. આજે પણ 10 થી 12 ઢોર પકડ્યા છે. ગઈકાલે પણ 28 ઢોર પકડયા હતા. અમુક જગ્યાએ પોલીસને સાથે રાખીને પણ આ કાર્યવાહી કરીએ છીએ. પકડાયેલા ઢોર શહેરમાં ચાર ઢોરવાડામાં મૂકવામાં આવે છે. એમાં અંદાજે 2500 ઢોરને રાખવામાં આવેલા છે. અત્યાર સુધીમાં 4500 ઢોરને ચિપ્સ લગાવી દેવામાં આવી છે અને તેની કાર્યવાહી હાલમાં પણ ચાલુ છે. સમસ્યા દૂર કરવી જોઈએ અમારી ફરજ છે અને લોકોનો હક છે અને અમે આ કાર્યવાહી પૂરી તાકાતથી કરી રહ્યા છે.
વર્ષે કરોડોનો ખર્ચ કરે: ભાવનગર મહાનગરપાલિકામાં હવે પશુ નિયંત્રણ વિભાગ અમલમાં આવ્યો છે. પશુ નિયંત્રણ અધિકારી એમ એમ હિરપરાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવનગરમાં ઢોર પકડવામાં આવે છે અને તેનો નિભાવ ખર્ચ વાર્ષિક જોઈએ. તો ઢોર પકડવા, ચોકીદાર, ઘાસચારો, વાહનો અને માલિકીના ઢોરને ચિપ લગાવવા વગેરે નાના મોટા ખર્ચને લઈને અંદાજે 5 કરોડ જેવો ખર્ચ થાય છે. જો કે શાસકો ચોમાસામાં ઢોરને માખી મચ્છરના ત્રાસના પગલે રસ્તા પર આવતા હોવાના પણ લુલા બચાવ થયેલા છે. કરોડો દર વર્ષે પાણીમાં જઇ રહ્યા છે તેવું રસ્તા પર ઢોર જોઈને જરૂર લાગે છે.