હૈદરાબાદ : આઝાદી પહેલા બ્રિટિશ સરકારે વિવિધ કાયદાઓ અને આદેશ દ્વારા ભારતીય નાગરીકોનું ઘણું શોષણ કર્યું હતું. આનો વિરોધ કરવા બદલ લોકોને વિવિધ રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. કોઈપણ મનુષ્ય માટે હવા અને પાણી પછી મીઠું હંમેશા સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંથી એક છે. બ્રિટિશ સરકારે ભારતના દરિયાકિનારે મળતા મીઠાના પ્રોસેસિંગ અને વેપારને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું. તેના વિરોધમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સવિનય અસહકાર ચળવળ શરૂ કરી હતી.
સોલ્ટ એક્ટના વિરોધમાં દાંડીયાત્રા : મીઠા પર લાગેલા વેરા સામે મહાત્મા ગાંધીનું આંદોલન ગુજરાતમાં સાબરમતી આશ્રમથી શરૂ થયું હતું. ગાંધીજીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો ત્યાંથી 385 કિલોમીટર દૂર નવસારી જિલ્લાના દાંડી ગામમાં દરિયાકિનારે પહોંચ્યા અને સોલ્ટ એક્ટનો ભંગ કર્યો. આ દાંડીયાત્રા 24 દિવસ લાંબી હતી અને તેમાં 78 લોકો સામેલ થયા હતા. આ ચળવળ 12 માર્ચથી 05 એપ્રિલ 1930 સુધી ચાલી હતી. આખરે અંગ્રેજોને દમનકારી મીઠાનો કાયદો પાછો ખેંચવાની ફરજ પડી હતી.
![ગાંધીજીની દાંડીયાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-03-2024/20957020_1_aspera.jpg)
દાંડીયાત્રાનું એલાન : અમદાવાદમાં 8 માર્ચના રોજ એક વિશાળ સભાને સંબોધિત કરતા ગાંધીજીએ મીઠાનો કાયદો તોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સભાને સંબોધતા તેમણે કહ્યું કે, મારા માટે સંપૂર્ણ સ્વતંત્રતા તરફ આ એક પગલું અને પ્રથમ પગલું છે. દાંડીમાં મીઠાનો કાયદો તોડવામાં આવશે.
![સોલ્ટ એક્ટના વિરોધમાં દાંડીયાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-03-2024/20957020_2_aspera.jpg)
દાંડીમાં એ દિવસે શું બન્યું ? 5 એપ્રિલના રોજ મહાત્મા ગાંધી મોટી સંખ્યામાં સમર્થકો સાથે દાંડી પહોંચ્યા હતો. બીજા દિવસે એટલે કે 6 એપ્રિલ 1930ના રોજ વહેલી સવારે તેઓ મોટી સંખ્યામાં પદયાત્રીઓ સાથે દાંડીના દરિયાકિનારે પહોંચ્યા અને પોતાની મુઠ્ઠીમાં એક નાનકડા ખાડામાં પડેલું કુદરતી મીઠું ઉપાડ્યું. આ સાથે ગાંધીજીએ સોલ્ટ એક્ટ 1882 હેઠળ દેશમાં મીઠા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને પડકાર્યા.
95 હજાર ભારતીયની ધરપકડ : લોકોમાં દાંડીકૂચની વધતી લોકપ્રિયતાએ અંગ્રેજ સરકારને હચમચાવી દીધી હતી. શરૂઆતમાં સરકારે આંદોલનને હળવાશથી લીધું, પરંતુ બાદમાં આ આંદોલનને દબાવવા માટે સરકારે શક્ય તમામ પગલાં લીધા. અહેવાલો અનુસાર 31 માર્ચ, 1930 સુધી દેશમાં લગભગ 95,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
![95 હજાર ભારતીયની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-03-2024/20957020_3_aspera.jpg)
શું છે ધ સોલ્ટ એક્ટ, 1882 ? ધ સોલ્ટ એક્ટ, 1882 ને મીઠાના અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદાથી બ્રિટિશ સરકારને મીઠાના પ્રોસેસિંગ અને વેચાણનો ઈજારો મળ્યો હતો. ભારતમાં ઘણા સ્થળોએ દરિયાકિનારે મીઠું પહેલેથી જ મફતમાં ઉપલબ્ધ હતું. છતાં બ્રિટિશ સરકારે મીઠા પર પોતાનો એકાધિકાર દાખવતા બળજબરીપૂર્વક લોકોને મીઠું ખરીદવા દબાણ કર્યું હતું. એક રીતે મીઠા પર કર લાદવામાં આવ્યો હતો. જેને લઈને સમગ્ર દેશના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પછી ગાંધીજીએ નિર્ણય લીધો કે, જો કોઈ ઉત્પાદન હોય જેના દ્વારા સવિનય અસહકાર થઈ શકે, તો તે મીઠું છે.