સુરત: જિલ્લાના કામરેજ ગામના કેનાલ રોડ પર લારી,ગલ્લાઓ તેમજ અન્ય દબાણોના કારણે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યા બાબતે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી પાનસેરીયાએ આચાર સંહિતા પૂર્ણ થતાં જ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી રસ્તાઓ પર રહેલ દબાણથી લોકોને પડતી હાલાકીથી હાજર સંબધિત વિભાગના અધિકારીઓને વાકેફ કર્યા અને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરી આ દબાણ દૂર કરવા જણાવ્યું હતું.
મંત્રી પાનસેરીયાના સુચનો અનુસાર ગઈકાલે 13 જુનના રોજ સુડા, માર્ગ મકાન અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ કામે લાગી ગઈ હતી અને રસ્તાઓ પરથી દબાણ દૂર કરવાની કામગીરી આદરી હતી. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે જાડેજા સહિતનો પોલીસ કાફલો પણ આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાન અશ્વિન ચિખલીયા, મઘાભાઈ ભરવાડ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તંત્રના અધિકારીઓએ આગામી દિવસોમાં જ્યાં જ્યાં ગેર કાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું હતું.
સુડા વિભાગના મામલતદાર એસ.પી ફાર્મર એ જણાવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી આ રસ્તા પર દબાણ હતું જેને લઇને વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી હતી. હાલ જેસીબીની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.