રાજકોટઃ ઈફકોના ડાયરેક્ટર પદે જયેશ રાદડિયાનો વિજય થયો છે. જો કે આ વિજયનો વિવાદ પણ થયો છે. આ સંજોગોમાં દિલીપ સંઘાણી બિન હરીફ રીતે ઈફકોના ચેરમેન પદે બિરાજયા. તેઓ દિલ્હીથી રાજકોટ આવ્યા ત્યારે એરપોર્ટ પર જ મીડિયા તેમને ઘેરી વળ્યું હતું. દિલીપ સંઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વાત નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી કોઈ વાત નહીં.
વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યુઃ રાજકોટ એરપોર્ટ પર બીપીન ગોતાએ ગઈકાલે કરેલ ટિપ્પણી, સી.આર.પાટીલે કરેલ ઈલુ ઈલુની ટિપ્પણી તેમજ બાબુ નસીતે મીડિયા સમક્ષ જયેશ રાદડિયા વિરુદ્ધ ભાજપ કાર્યવાહી કરે તેવી માંગણી વગેરે જેવા વિવાદિત સવાલોના જવાબમાં દિલીપ સંઘાણી માત્ર એટલું કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવા નથી માગતા અને માત્ર વિકાસની રાજનીતિ જ કરવા માંગીએ છીએ.
'નરો વા કુંજરો વા'નો અભિગમઃ મેન્ડેટની પ્રથા સહકારી ક્ષેત્રે હોવી જોઈએ કે નહીં? તેના જવાબમાં પણ દિલીપ સંઘાણીએ કોઈ વિશેષ જવાબ ન આપતા પક્ષ એ સંદર્ભે યોગ્ય નિર્ણય લેશે તેવું કહ્યું હતું. નારણ કાછડીયાએ અમરેલીમાં બીજેપીના કાર્યકર્તા ઊભા કરતા વર્ષો નીકળી જાય છે પણ તૂટતા 5 મિનિટ નથી થતી તેવા વિવાદિત નિવેદન પર પણ સંઘાણીએ 'નરો વા કુંજરો વા'નો અભિગમ રાખ્યો હતો. દિલીપ સંઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જનતાની સુખાકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમ જણાવીને માત્ર વિકાસને મહત્વ આપ્યું હતું.