ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને એક લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે એક કલમ 370 નાબુદ કરવાના પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો.
કાયદાના ડ્રાફ્ટિંગમાં સ્પષ્ટતા સૌથી મહત્વપૂર્ણ
વિધાનસભા ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કાયદાના ડ્રાફ્ટિંગમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સ્પષ્ટતા હોવાનું જણાવ્યું હતું. લેજિસ્લેટર જેટલી સ્પષ્ટતા સાથે પોતાના ઉદ્દેશોને કાયદામાં પરિવર્તિત કરે, તેટલો ગ્રે એરિયા ઓછો થાય. અને જેટલો ગ્રે એરિયા ઓછો થાય એટલો ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઓછો થાય. ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ત્યાં જ થાય જ્યાં ગ્રે એરિયા હોય. એની સ્પષ્ટતા ન હોય. એટલે લેજિસ્લેટિવ બનાવતી વખતે કાયદો સ્પષ્ટ બનાવવો જોઈએ.
કલમ 370 અંગે શું કહ્યું?
તેમણે આ અંગે કલમ 370નું ઉદાહરણ આપતા જણાવ્યું કે, 370ના ડ્રાફ્ટિંગ વખતે, જેમણે ડ્રાફ્ટ કર્યું એમણે બહુ સ્પષ્ટ રીતે ટેમ્પરરી પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશનનો ઉપયોગ કર્યો. આ ખૂબ મહત્વપૂર્ણ શબ્દ હતો. ટેમ્પરરી પ્રોવિઝન એટલે તે કાયમી પ્રોવિઝન નથી, તેને હટાવવા માટે સંવિધાન સુધારની જરૂર નથી. અને નીચે કહી દીધું કે, રાષ્ટ્રપતિ ક્યારેય પણ બંધારણીય આદેશ કરીને આ આખી 370ને હટાવી શકે. તેને લોકસભા અને રાજ્યસભાએ સાદી બહુમતીથી પસાર કરવાનું રહે. હવે જો તે વખતે 370 બંધારણીય પ્રોવિઝન કર્યું હોત તો બે-તૃતિયાંશ બહુમતિની જરૂર પડી હોત. પરંતુ લેજિસ્લેટર એકદમ સ્પષ્ટ હતા, કે આ કામચલાઉ ઉપબંધ છે. અને તેના લીધે તેને હટાવવાનો રસ્તો પણ તેમણે 370(3)માં મૂક્યો છે. કાયદો બનાવવા દરમિયાન આપણા ઉદ્દેશોની સ્પષ્ટતા એ ખૂબ જરૂરી હોય છે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન વિધાનસભા એટલે વિધેયકો પસાર કરીને નાગરિકોના હિત અને રક્ષણ માટે કાયદાની રચન કરવાની સભા એમ પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, નાગરિકોના પ્રશ્નોને વાચા આપવાનું અને તેમના હિતમાં કાયદો ઘડો એ જ ધારાસભ્યોનું કામ છે. એટલે દરેક ધારાસભ્યોએ કાયદાની ભાષા વ્યવસ્થિત રીતે સમજવી જોઈએ અને ચર્ચામાં સહભાગી થઈને કાયદામાં રહેતી ક્ષતિઓને દૂર કરવા સૂચનો રજૂ કરવા જોઈએ.
આ પણ વાંચો: