નડીયાદ: શહેરમાં KDCC બેંકના નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા,વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ(નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) ના ચેરમેન જેઠાભાઈ આહીર,અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ સહિત ધારાસભ્યો,બેંકના ડિરેક્ટરો, સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેંકની વિવિધ સુવિધાઓનો શુભારંભ કરાયો: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં,ગુજરાત સહકાર,મીઠા ઉદ્યોગ,લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માની અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ ચેરમેન જેઠાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં બી. એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નડિયાદ ખાતે 'ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.' ની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હત. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. (કેડીસીસી) ના નવનિર્મિત મકાન, સરદાર પટેલ સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ કેડીસીસી બેંક દ્વારા જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ (LMS), ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (DMS), પેપરલેસ બેન્કિંગ, ટેબલેટ બેન્કિંગ, બેંકની આધુનિક વેબસાઇટ, તથા કસ્ટમર કેર સર્વિસ (SMS)ની સુવિધાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો.

ગુજરાત સહિત દેશે સહકારી ક્ષેત્રે વિકાસની દિશામાં હરણફાળ ભરી: આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે વર્ચ્યુલ સંબોધન દ્વારા કેડીસીસી બેન્કની બેન્કીંગ ક્ષેત્રે ડિજીટાઈઝેશનની નવી સુવિધાઓ બદલ તમામ ખેડા જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ આપી હતી. ગૃહ પ્રધાને કેડીસીસી બેંકના માધ્યમથી ખાસ કરીને જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદન મંડળીની બહેનોને વિશેષ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલીવાર સહકારીતા મંત્રાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેના લીધે ગુજરાત સહિત ભારત દેશે સહકારી ક્ષેત્રે વિકાસની દિશામાં હરણફાળ ભરી છે.અમિત શાહે કેડીસીસી બેંકની આર્થિક પ્રગતિને નોંધપાત્ર ગણાવી હતી.
સહકારી ક્ષેત્રે માળખાકીય સુદ્રઢીકરણને વેગ મળ્યો છે : આ પ્રસંગે રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની સ્થાપનાને લીધે ગુજરાત અને સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે માળખાકીય સુદ્રઢીકરણને વેગ મળ્યો છે. તેમણે કેડીસીસી બેંક દ્વારા અપનાવેલ બેન્કિંગ ડિજિટાઇઝેશનની સુવિધાઓની કામગીરીને બિરદાવી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે, આજે પ્રથમ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં કેડીસીસી બેંકના ભવનનું લોકાર્પણ થયું છે. જેની આજે 76 મી વાર્ષિક સાધારણ સભા હતી. આજે કેડીસીસી બેંક ખૂબ પ્રગતિ કરી રહી છે, વર્ષો પહેલા એવો સમય હતો કે કેડીસીસી બેંક બંધ થઈ જવાની કગાર પર હતી. નવા સભ્યો અને ડિરેક્ટર આવ્યા ખૂબ મહેનત કરી સહકારથી નવા ચેરમેન તેજસભાઈએ પણ ખૂબ મહેનત કરી.આજે બેંક આધુનિક ટેક્નોલોજી સાથે બેંક ચાલી રહી છે.