અંબાજીઃ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ ઉજવવામાં આવે છે, આ વર્ષે 2 પૂનમ હોવાથી તારીખ 24ના સાંજે 7.00 કલાકે અંબાજી ગુજરાતી શાળામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. ભટ્ટજી મહારાજ સહિતના કર્મચારીઓ, ઠાકોર સમાજ સહિત વિવિધ સમાજના લોકો એકઠા થઈ પૂજા અર્ચના અને વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવશે.
વિવિધ સમાજે તૈયારીઓ આદરીઃ વણઝારા સમાજ મારવાડી રીત રીવાજ પ્રમાણે અંબાજી ભાટવાસ વિસ્તારમાં હોળી પ્રગટાવી હોળી પર્વની ઉજવણી કરશે. જ્યારે ઠાકોર સમાજ દ્વારા ગુજરાતી શાળામાં ભટજી મહારાજની હાજરીમાં હોળી પ્રગટાવી ધૂમધામ પૂર્વક હોળી મનાવવામાં આવશે. વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં આ હોળી પર્વે હાજર રહેશે અને હોળીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે.
દિવાળી જેટલું મહત્વઃ હોળી પર્વને લઈ વણઝારા સમાજના આગેવાને વસંત વણજારાએ જણાવ્યું હતું કે, હોળી પર્વ અમારા માટે દિવાળી જેવો પર્વ છે. અમે સૌ લોકો સાથે મળી અને ભાટવાસ વિસ્તારમાં હોળી પ્રગટાવીએ છીએ. અમારા પરંપરાગત ગીતો ગાઈને અને હર્ષોઉલ્લાસ સાથે હોળી પર્વ ઉજવીએ છીએ. હોળી બાદ ધુળેટીના દિવસે જે નવા જન્મેલા બાળકો છે તેમને અમે સમાજના લોકો સાથે મળી, પરંપરાગત ગીતો ગાઈને ઢુંઢાવવાનો કાર્યક્રમ પણ કરતા હોઈએ છીએ. આ સાથે અમે 'ઘેર'નું પણ આયોજન મારવાડી રીત રીવાજ મુજબ કરીએ છીએ.
હોળીના ફેરા લેવાની પરંપરાઃ અંબાજીમાં હોળી પર્વને લઈ ઠાકોર સમાજના આગેવાન બાબુ ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષોથી અમારા બાપદાદાઓ આ હોળી કાર્યક્રમ કરતા આવ્યા છે. જંગલમાંથી લાકડા લાવી અગિયારસના દિવસે આંબલી ઊભી કરી અને ભટજી મહારાજ મુરત કાઢી આપે તે પ્રમાણે અમારા સમાજના આગેવાનો, વહીવટદારો સાથે ગુજરાતી શાળામાં હોળી પ્રગટાવીએ છીએ. અમારા સમાજના નવા પરણેલા જોડાએ હોળીના ફેરા લેવાના હોય છે. વિવિધ સમાજના લોકો પણ હાજર રહી હોળીની પૂજા અર્ચના કરતા હોય છે અને હર્ષભેર દર વર્ષે અંબાજી ગુજરાતી શાળામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે.
24 માર્ચે સાંજે 7.00 કલાકે હોળી પ્રાગટ્યઃ હોળી પ્રાગટ્યના મુરતને લઈ અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજે જણાવ્યું હતું કે, આ વખતે બે પૂનમ છે. તારીખ 24ના બપોરેથી લઈ 25મીના બપોર સુધી પૂનમ હોવાથી હોળી 24મીના સાંજે 7.00 કલાકે પ્રગટાવવામાં આવશે. હોળી પ્રગટાવી મસાલા જ્યારે અંબાજી મંદિરમાં આવશે ત્યારે સાંજની આરતી કરવામાં આવશે. પૂનમની આરતી 25મીના સવારે કરવામાં આવશે. વ્રતની પૂનમ 25મી તારીખના રોજ માનવામાં આવી રહી છે.