રાજકોટ: મેટોડા જીઆઇડીસીના ગેઇટ નં. ૨ નજીક મણી મંદિર પાસે ગતરાત્રીએ કાર નં. જીજે૦૩કેએચ-૪૬ વર્ના કારના ચાલકે બિહારી પરિવારના ત્રણ વ્યક્તિને ઠોકર મારી હતી, બાદમાં ઘટનાસ્થળે જ કાર મુકી ભાગી ગયો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પરિવારના બે સદસ્ય માતા-પુત્રનું અવસાન થયું હતું. જ્યારે મૃતક મહિલાના બાર વર્ષના ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.
ભાઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે: પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃત્યુ પામનાર મહિલા મેટોડા ગેઇટ નં. ૨માં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતી હતી. શીલાદેવી ચંદનકુમાર શાહની ઉમર 21 વર્ષની હતી, જ્યારે તેમની સાથે મૃત્યુ પામેલ તેમનો પુત્ર અંકુશ ચંદનકુમાર શાહ દોઢ વરસનો હતો, આ બંનેની સાથે શીલાદેવીનો ભાઇ કારમાં હાજર રાજા કૈલાસભાઇ પાસવાન (ઉ.વ.૧૨) હાલ સારવાર લઈ રહ્યા છે.
પુત્રને પોલીયોના ઇન્જેક્શન માટે લઈ ગયા હતા: માહિતી પ્રમાણે શીલાદેવી તેના પતિ, ભાઇ સહિતના પરિવાર સાથે એકાદ વર્ષ પહેલા બિહારથી મેટોડા આવ્યા હતા. તેઓ મુળ બિહારના બાંકા અમરપુરની વતની હતા. તેમનો પતિ ચંદનકુમાર શાહ એક કારખાનામાં નોકરી કરે છે. શીલાદેવના દોઢ વર્ષના પુત્ર અંકુશને પોલીયોના ઇન્જેક્શનનો ગઇકાલે ડોઝ આપવાનો હોવાથી તેઓ પુત્ર અને ૧૨ વર્ષના ભાઇને સાથે લઇને મેટોડા ગેઇટ નં. ૩માં આવેલા ક્લીનીક પર ગયા હતા. ત્યાંથી ત્રણેય ચાલીને પરત ગેઇટ નં. ૨ તરફ પોતાના ઘરે આવી રહ્યા હતાં. આ સમયે જ્યારે આ ત્રણેય મણી મંદિર નજીક પહોંચ્યા ત્યારે કારે આ ત્રણેય જણને ઠોકર મારી હતી અને જેના પરિણામે શીલાદેવી અને તેમનો દોઢ વર્ષના માસુમ પુત્રનું મૃત્ય થયું હતું.
આરોપીની ધરપકડ કરી લેવશે: આ મામલે હજુ ગુન્હો દાખલ થયો નથી. પોલીસ તપાસ મુજબ કાર મુળ ખીરસરાનો ચિરાગ ભીખાભાઇ વાગડીયા ચલાવતો હતો. મેટોડા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ સાથે ETV BHARATની ટેલિફોનિક વાતચીત મુજબ, "આરોપીને ઓળખી લેવામાં આવ્યો છે, પરિવારના મૃતકોની અંતિમક્રિયા કર્યા બાદ ગુન્હો દાખલ કરવામાં આવતાની સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે."